- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી વડોદરા પાલિકાના 344.45 કરોડના વિકાસના કાર્યોનું કર્યું ઈ લોકાર્પણ
- વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ ઓનલાઈન જોડાયા
- ગાંધીનગર ગૃહ ખાતે મેયર ડૉ. જીગીષાબેન શેઠ પણ રહ્યા હાજર
વડોદરા : કોરોના કહેરની સાથે રાજ્ય સરકાર દ્વારા વિકાસના તેમજ લોકોપયોગી કાર્યો કરવામાં આવી રહ્યા છે. રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ગાંધીનગરથી ઓનલાઇન વડોદરા મહાનગરપાલિકાનાં રૂપિયા 344.45 કરોડના ખર્ચે વિકાસના વિવિધ કામોના ઇ ખાતમુર્હુત, ઇ શુભારંભ અને ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં તેમની સાથે વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ જોડાયા હતા.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરા પાલિકાના 344.45 કરોડના વિકાસના કાર્યોનું કર્યું ઈ-લોકાર્પણ નગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે યોજાયો ઈ-શુભારંભ કાર્યક્રમ
વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડોદરાનાં નગરજનો માટે 344.45 કરોડના વિકાસ તેમજ લોકોપયોગી કામોનું ઇ ખાત મુહૂર્ત, ઇ શુભારંભ તેમજ ઇ લોકાર્પણ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે યોજવામાં આવ્યું હતું. વડોદરા સ્થિત ગાંધીનગર ગૃહ ખાતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ડૉ. જીગીષાબેન શેઠ, મ્યુનિસિપલ કમિશનર પી સ્વરૂપ, યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ, તેમજ વડોદરાનાં ધારાસભ્યો, સહિત કોર્પોરેટરો જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાયું
મેયરનાં પ્રાસંગિક પ્રવચન બાદ ગાંધીનગરથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી, તેમજ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા વડોદરા શહેર માટે 344.45 કરોડનાં વિકાસનાં કામોનું ઇ લોકાર્પણ, ઇ શુભારંભ અને ઇ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાનાં કલાલી અને અટલાદરામાં 166.75 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1,900 આવાસો સહિત 81 દુકાનોનું ઇખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્માર્ટ સિટી અંતર્ગત રેલવે સ્ટેશન પર 71.28 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સ્માર્ટ સિટી સેન્ટ્રલ ટ્રાન્સપોર્ટ હબનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરનાં મુખ્ય રસ્તાઓ પરની 12,000 સોડિયમ ફિટિંગ્સની સ્ટ્રીટ લાઈટોને સ્થાને નવી સ્માર્ટ એલઇડી સ્ટ્રીટ લાઈટ ફિટિંગ 38 કરોડના ખર્ચે લગાવવા માટેના કામોનો ઇ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે સ્માર્ટ સિટી અંતર્ગત 56.65 કરોડના ખર્ચે વાસણા રોડ, હરણી અને ગોરવા વિસ્તારનાં નવીન રસ્તાઓનાં કામોનો ઇ શુભારંભ કરવામા આવ્યો હતો. તેમજ કમાટીબાગમાં 6.87 કરોડનાં ખર્ચે વેટરનીટી હોસ્પિટલ અને મોટ એંક્લોઝરનો ઇ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા શહેરની મધ્યમાં આવેલા માંડવી ગેટ, પાણી ગેટ, ચાંપાનેર ગેટ, ગેંડી ગેટ અને લહેરીપૂરા ગેટની ઐતિહાસિક ઇમારતો પર 4.90 કરોડનાં ખર્ચે રંગરોગાન, ફસાદ અને લાઇટિંગના કામોનો ઇ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું.