વડોદરા: સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોને લઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેને લઇને પોલીસ પણ એકશનમાં જોવા મળી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં વધુ એક વેપારી વ્યાજના ચક્કરમાં ફસાયો છે. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ટેમ્પોમાં શાકભાજીનો વેપાર કરતા વેપારીએ 60 હજાર રૂપિયાની રકમ પાછળ માત્ર ચાર મહિનામાં 1 લાખ 40 હજાર વ્યાજ ચૂકવ્યું હતું. છતાં તેને વ્યાજખોરે ચેક રીટર્ન કેસમાં ફસાવવાની ધમકી આપતા આખરે વેપારીએ ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.
વેપારીના ઘરે જઈ ધમકી આપી:શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા કનૈયાલાલ યાદવ શાકભાજીનો વેપાર કરે છે. તેઓ ટેમ્પોના માધ્યમથી શાકભાજી વેચે છે. ગોરવા પોલોસ મથકમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર નાણાંની જરૂરિયાત હોવાના કારણે મેં ડેવિડ પરમારનો સંપર્ક કર્યો હતો. તેને રૂપિયા 60 હજારની રકમ પાછળ રૂપિયા 35 હજાર વ્યાજની માંગ સાથે કોરા ચેક સિક્યુરિટી પેટે લીધા હતા. ત્યારબાદ ડેવિડ પરમારને દર મહિને વ્યાજ પેટે 35 હજાર ચૂકવતો હતો. ચાર મહિનામાં કુલ 1 લાખ 40 હજાર વ્યાજ ચૂકવ્યા બાદ આર્થિક સંક્રમણના કારણે શાકભાજીનો ધંધો બંધ થઈ ગયો હતો. જેથી હું તેને વ્યાજની રકમ આપવાનો બંધ કરતા ડેવિડ મારા ઘરે આવ્યો હતો. અને મારી સાથે ઝઘડો કરી ચેક બાઉન્સ કરાવી કોર્ટમાં ખોટી ફરિયાદની ધમકી આપી હતી.