- વડોદરા શહેર તથા જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝુંબેશનું આયોજન
- મતદારોને ઘર નજીકના મતદાન મથકમાં સેવાનો લાભ લેવા અનુરોધ
- કરજણ સિવાયની તમામ બેઠકો આવરી લેવાઈ
વડોદરા: વડોદરામાં આગામી ચાર રવિવારોએ મતદાન મથકો ખાતે મતદારોની નામ-નોંધણી અને સુધારા સહિતના કામો માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે શહેર અને જિલ્લાના નાગરિકોને આ ઝુંબેશનો લાભ ઘર નજીકના મતદાન મથકો ખાતે લેવા અનુરોધ કર્યો છે. કરજણ વિધાનસભા બેઠક સિવાય તમામ બેઠકોના વિસ્તારોમાં આ કામગીરી ચાલી રહી છે
વડોદરા શહેર-જિલ્લા મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી હક, દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવાની સચોટ વ્યવસ્થા
હાલમાં તા.1/1/2021 ની લાયકાત તારીખને કેન્દ્રમાં રાખીને ફોટો મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાની કામગીરી સમગ્ર રાજ્યની સાથે વડોદરા શહેર અને જિલ્લામાં ચાલી રહી છે. તા.15/12/2020 સુધી આ કામગીરી ચાલુ રહેવાની છે અને આ કામગીરીના ભાગરૂપે વડોદરામાં આગામી રવિવાર તા.22/11 થી લઈને તા.13/12 સુધીના ચાર રવિવારોએ મતદાન મથકો ખાતે ખાસ ઝુંબેશ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તમામ મતદાન મથકો ખાતે સેવાનો લાભ મળશે
જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે હવે પછીના ચાર રવિવાર તા.22/11, 29/11, 06/12 અને 13/12 ના રોજ તમામ મતદાન મથકો ખાતે સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી પદનામિત અધિકારીઓને ઉપસ્થિત રાખી હક, દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવાની સચોટ વ્યવસ્થા કરવામા આવી છે. જિલ્લા કલેક્ટરે વડોદરાના નાગરિકોને આગામી રવિવારોએ તેમના ઘર નજીક ના મતદાન મથક ખાતે જઈ આ ઝુંબેશનો લાભ લઈ મતદાર યાદીમાં નામ દાખલ કરવા,નામમાં જરૂરી હોય તેવા સુધારા કરાવવા સહિતના કામો માટે લેવા ખાસ અનુરોધ કર્યો છે.