વડોદરા:વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સુબોધનગર સ્થિત એક બંગલામાં વિપુલ ગોઢકિયા નામના કિશોરનો કૂતરા બાંધવાના પટ્ટે લટકતો મૃતદેહ મળી આવ્યો હતા. આ મામલે કોઇ કાર્યવાહી ન થતા આજે પરિવારજનો કલેક્ટર કચેરી ખાતે મોરચો લઇને આવ્યા હતા અને નિષ્પક્ષ તપાસની માંગણી કરી હતી. જો ન્યાય નહિ મળે તો આમરણાંત ઉપવાસ આંદોલન કારવાની ચીમકી ઉચ્ચારી હતી.
રાજકીય ઇશારે નિષ્પક્ષ તપાસ નથી થતી:આજે વડોદરા કલેક્ટર કચેરીએ આવેલા વિપુલના કાકા વિનય ગોઢકિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી વિપુલ દીપીકા શાહને ત્યાં કામ કરતો હતો. તેમની પાસેથી રૂપિયા લીધા હતા એટલે તેમને ત્યાં કામ કરતો હતો. દીપીકા શાહે ભાદરવા સ્થિત ચેહર જોગણીનું મંદિર છે ત્યાંથી મદદ અપાવવાની વાત પણ કરી હતી. પરંતુ રાજકીય ઇશારે નિષ્પક્ષ તપાસ નથી થઇ રહી. પણ જયા સુધી નિષ્પક્ષ તપાસ નહીં થાય અને વિપુલને ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.
પોલીસે એડી દાખલ કરી:11 દિવસ પહેલા શહેરના માંજલપુરના સુબોધનગરના બંગલામાં દીપીકાબેન શાહને ત્યાં વિપુલ અને રણજીત બે ભાઈઓ કામ કરતાં હતા. જ્યાંથી ભેદી સંજોગોમાં વિપુલનો મૃતદેહ કૂતરો બાંધવાના પટ્ટાથી લટકતો મળ્યો હતો. જેને પગલે વિપુલના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. તે પછી વિપુલના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી પોલીસે એડી દાખલ કરી હતી. પોલીસે પરિવારજનોના નિવેદનો લીધા હતા.