- વડોદરામાં લવજેહાદનો બીજો કિસ્સો આવ્યો સામે
- યુવતીએ તેમનું લગ્નજીવન સુખી હોવાનું જણાવ્યું
- યુવતીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓને અરજી કરી
વડોદરા: શહેરના વાઘોડિયા રોડ ઉપર રહેતી પટેલ યુવતીએ આણંદના વિધર્મી યુવાને લગ્ન કરી લીધા હતા. આ યુવતીએ તેમનું લગ્નજીવન સુખી હોવાનું જણાવતા તેમાં કોઈ બાધા ઊભી ના કરે તે માટે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓને અરજી કરવામાં આવી છે. જ્યારે પાણીગેટ પોલીસે આવી કોઈ અરજી પોલીસને મળી નહીં હોવાનું જણાવ્યું છે.
નાગરવાડા અને બ્રાહ્મણ યુવતી બાદ વધુ એક કિસ્સો સામે આવ્યો
યુપીમાં લવજેહાદના કાયદાના પગલે હવે બીજા રાજ્યોમાં પણ આ કાયદો બને તે માટે માંગ વધી રહી છે. જ્યારે આવા કિસ્સામાં હિન્દુ સંગઠનો પણ આક્રમક બન્યા છે. નાગરવાડાની બ્રાહ્મણ યુવતીના બનાવથી ચકચાર મચી ગઈ છે. તેવા સમયમાં જ બીજો એક કિસ્સો સામે આવ્યો હતો કે, વાઘોડિયા રોડ ઉપરની યુવતીની અરજી કરી હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચાએ જોર પકડતા ચકચાર મચી છે.
10 વર્ષથી વિધર્મી યુવક સાથે હતો પ્રેમ સબંધ
યુવતીએ પાણીગેટ પોલીસને ઉદેશીને લખેલી અરજીમાં જણાવ્યું છે કે, હું છેલ્લાં 10 વર્ષથી આણંદમાં રહેતા મુસ્લિમ યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. જેથી મેં તેની સાથે 13 જુલાઈ 2020ના રોજ વડોદરાના સ્પેશ્યિલ મેરેજ અધિકારી સમક્ષ નોંધણી કરાવી છે. અમે બંને પતિ-પત્ની છીએ અને અમારું લગ્નજીવન શરૂ કરવા માટે હું પતિ સાથે જ રહું છું.
લગ્ન જીવનમાં કોઇ વિઘ્ન કે બાધા ન આવે તે માટે પોલીસને યુવતીએ અરજી કરી
અમારા લગ્નજીવનમાં કોઇ વિઘ્ન કે બાધા ન આવે અને અમુક લોકો અમારા લગ્નને નારાજ થઇને કોઇ કાર્યવાહી ન કરે તે માટે હું આ લખી આપું છું. આ લગ્નજીવનમાં કોઇ પણ વ્યક્તિનું દબાણ નથી અને કોઇએ ધમકી આપી નથી. મારા પરિવાર તરફથી કે, અન્ય કોઈપણ વ્યક્તિ તરફથી કોઈપણ જાતની અરજી આવે કે, અન્ય કાર્યવાહી થાય તો આ અરજી મારું નિવેદન સમજી લેવું.
પોલીસે કોઈપણ અરજી આવી નહીં હોવાનું જણાવ્યું
વાઘોડિયા રોડ ઉપરની યુવતીએ કરેલી અરજી અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પૂછતાં પાણીગેટ પોલીસે આવી કોઈ અરજી પોલીસને મળી નહીં હોવાનું જણાવ્યું છે.