વડોદરા :ચોમાસાની સિઝન ચાલુ છે અને છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવે ખેડૂતો પોતાના પાકને સાચવવા ખાતર ખરીદી કરી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે હવે વડોદરા જિલ્લાના કરજણમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જગતના તાત ખેડૂતોને છેલ્લા ચાર દિવસથી ખાતર ડેપોમાંથી ખાતર નથી મળી રહ્યું છે. આ વ્યવસ્થા ઉપર હવે સવાલો ઉઠવા લાગ્યા છે. ત્યારે બીજી તરફ મોટી માત્રામાં ખાતરના જથ્થાની હેરાફેરી થઈ રહી હોવાનું સામે આવ્યું છે.
શંકાસ્પદ ખાતર : એક તરફ ખાતરની અછત જોવા મળી રહી છે. ત્યારે મહેસાણાથી પ્રિન્ટ કરેલી કોથળીઓની જગ્યાએ સાદી કોથળીઓમાં ખાતરનો જથ્થો ભરીને ટ્રક પૂના મહારાષ્ટ્ર જઈ રહી હતી. કરજણ ટોલનાકા ખાતેથી કરજણ પોલીસે શંકાસ્પદ હાલતમાં આ ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં સાદી કોથળીમાં ભરેલ અંદાજિત 29 ટન ખાતરનો જથ્થો જેની કિંમત 18 લાખથી વધુ છે. જેમાં ખાતરનો જથ્થો કયા પ્રકારનો છે. એની જાણકારી માટે કરજણ પોલીસે ખેતીવાડી ખાતાના અધિકારીઓની મદદ લીધી અને કોથળીઓમાંથી ખાતરના સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા છે.