વડોદરામાં પૂરના પગલે 96 ભયજનક પોલીસ ક્વાર્ટર ખાલી કરાવ્યા - પોલીસ ક્વાર્ટર
વડોદરા: છેલ્લા 3 દિવસથી શહેરમાં પૂરની પરિસ્થિતી વચ્ચે ફસાયેલા લોકો મુંગા પશુનો રેસ્ક્યૂ કરવા માટે શહેર પોલીસના કર્મીઓ મદદે પહોંચી રહ્યાં છે. તેવામાં ખુદ પોલીસ કર્મીઓ હવે પોતાની મદદની ગુહાર લગાવતા નજરે પડ્યાં હતા. એક તરફ પૂરના સંકટના વાદળો છવાયેલા હતો ત્યાં બીજી તરફ પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટમાં પરિવાર સાથે રહેતા કર્મીઓને શહેર પોલીસ કમિશ્નરે તાત્કાલીક ક્વાર્ટ ખાલી કરી દેવા સુચના આપી હતી. જેના પગલે મોડી રાતે 96 જેટલા પોલીસ ક્વાર્ટર ખાલી કરી દેવાયાં હતા. પરંતુ તેમની માટે કોઇ યોગ્ય વૈક્લ્પિક વ્યવસ્થા ઉભી કરવામા આવી ન હતી.
પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટ સ્થિત પોલીસ કર્મીઓના રહેવા માટે ક્વાર્ટર ફાળવવામાં આવ્યાં હતા. જોકે હેડક્વાર્ટર સ્થિત 6 જેટલી ઇમારતો ભયજનક સ્થિતીમાં હોવા છતાં પોલીસ કર્મીઓ પરિવાર સાથે રહેતા હતા. દરમિયાન છેલ્લા 3 દિવસથી શહેરમાં વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે સમગ્ર શહેર પૂરના પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. તેવામાં અનેક સ્થળે મકાનની દિવાલો પડી જતી દુર્ઘટના ઘટી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં હતા. ત્યારે શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતને પોલીસ હેડક્વાર્ટરની 6 ઇમારાતો ભયજનક સ્થિતીમાં હોવાની જાણકારી મળી હતી. પૂરની સ્થિતીમાં કોઇ અનિચ્છનિય ઘટના પોલીસ હેડક્વાર્ટરમાં ન ઘટે તે માટે શહેર પોલીસ કમિશ્નરે ભયજનક ઇમારતોમાં રહેતા 96 પોલીસ કર્વાર્ટર તાત્કાલીક ખાલી કરી દેવાની સુચના આપી હતી.