- પ્રથમ વરસાદે પાલિકા તંત્રની પ્રિમોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ
- તાંદલજા ગામ તરફ જતો સમગ્ર માર્ગ ખાડાઓમાં ફેરવાયો
- ડ્રેનેજની કામગીરી કર્યા બાદ યોગ્ય કામગીરીના અભાવે ગંદકીનો માહોલ
વડોદરા (Rain update) :શહેર અને જીલ્લામાં ચોમાસાની ઋતુનો શરૂ થતાં કહેવાતી અને કાગળ પરની સ્માર્ટસીટીની ગુલબાંગો ફૂંકતા વડોદરા મહાનગરપાલિકા તંત્રની પ્રિમોન્સૂન કામગીરી(pre monsoon)ના દાવા ખોટા પુરવાર થવા પામ્યા છે. પ્રથમ વરસાદમાં જ વડોદરા મહાનગરપાલિકા (Vadodara municipal corporation)ની પોલ ખોલી હતી. વરસાદ શરૂ થાય તે પૂર્વે પ્રિમોન્સૂન(pre monsoon)ની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે.પરંતુ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં અધૂરી કામગીરીના કારણે લોકો હેરાન થઈ રહ્યાં છે. શહેરના રાજવી ટાવરથી તાંદલજા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર ડ્રેનેજ લાઈનની કામગીરી અંતર્ગત ઠેરઠેર ખાડા ખોદવામાં આવ્યા હતા. જે બાદ યોગ્ય પુરાણ નહીં થતા સમગ્ર રસ્તો ખાડામાં ફેરવાઈ ગયો છે. વરસાદી પાણી ભરાતા માર્ગ પર પડેલા ખાડા નજરે નહીં પડતા અકસ્માતની ઘટના બને તે પહેલાં સ્થાનિકો દ્વારા ખાડાઓને કોર્ડન કરવાની ફરજ પડી છે. જ્યારે પસાર થતા વાહનચાલકો,રાહદારીઓમાં અકસ્માત સર્જાવાનો ભય ફેલાયો છે.