વડોદરા: શહેરમાં દંતેશ્વર વિસ્તારમાં આવેલી કરોડોની કિંમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવી તેના ઉપર પોતાનો આલિશાન બંગલો ઉપરાંત ટેનામેન્ટની સ્કીમ બનાવવાનો કલેક્ટર તંત્ર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. કરોડોની કિંમતની આ સરકારી જમીન હડપી જવાનો પ્રયાસ કરનારા ત્રણ ભૂમાફિયા સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ક્રાઈમબ્રાન્ચની ટીમે સ્થળ પર પહોંચીને પંચનામું કર્યું:લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચ અને મામલતદાર ઓફિસ તરફથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. શહેર ક્રાઈમ બ્રાન્ચ અને મામલતદારની ટીમ આજે વ્હાઇટ હાઉસ પર આવી પહોંચી હતી. આ સરકારી જમીનની તપાસનો ધમધમાટ શરૂ થતા જ ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. લેન્ડ ગ્રેબિંગના મુખ્ય આરોપી સંજયસિંહ પરમારને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. હાલમાં આ તમામ જમીનોની ચોકસાઈ કરવામાં આવી રહી છે. રેવન્યુ અધિકારીઓ દ્વારા હાલમાં આ જમીનની ખરાઈ કરવામાં આવી રહી છે.
ક્રાઈમબ્રાન્ચના એસીપીનું નિવેદન:આ અંગે નિવેદન આપતા ક્રાઈમ બ્રાન્ચના એસીપી હરપાલસિંહ રાઠોડ એ જણાવ્યું હતું કે ગઈકાલે ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેવીંગ એક્ટ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી ની રચના કરાઈ હતી અને નિર્ણય આધરીત કાર્યવાહી ચાલી રહી છે. આ મામલે રેવન્યુ અધિકારી ફરિયાદી છે. તેને આધારે ગઈ કાલે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આરોપી તરીકે સંજય પરમાર ને એરેસ્ટ કરવામાં આવ્યા છે. આ સરકારી જમીન પર ગેરકાયદેસર ઝડપી લીધી છે તેનું પંચનામું અને તેના ઘરની જડતી કરવા માટે પંચો અને રેવન્યુ અધિકારીની હાજરીમાં તપાસ ચાલી રહી છે.
27 દસ્તાવેજો થઈ ચૂક્યા છે: આ સરકારી જમીન પર અત્યાર સુધીમાં 27 જેટલા દસ્તાવેજો કરવામાં આવ્યા છે અને દસ્તાવેજ થયેલા ગ્રાહકોને બોલાવવામાં આવશે. આ મકાનની કિંમત બાબતે જણાવ્યું હતું કે જંત્રી મુજબ ભાવ અલગ હોય છે અને વેચાણ કિંમત અલગ હોય છે. હાલમાં બને રીતે ભાવ બાબતે તપાસ થઈ રહી છે. હાલમાં જંત્રી મુજબની કિંમત રેવન્યુ દ્વારા જાણવા મળશે અને બઝાર કિંમત સરકારી વેલ્યુરના આધારે નક્કી કરવા આવશે. હાલમાં આ તમામ જગ્યાની માપણી કરવામાં આવશે અને ત્યારબાદ તેની કિંમત નક્કી કરવામાં આવશે.