વડોદરાના ડેસર પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલનું અપહરણ વડોદરા: ડેસર ગામે ફરજ બજાવતાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી ગુમ થયાનો બનાવ સામે આવ્યો છે. ગુજરાતનાં વડોદરા જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચર્ચાનો વિષય થયો છે અને સમગ્ર પોલીસ તંત્ર કામે લાગ્યું છે. મહત્વનો સવાલ એ છે કે થોડાક સમય પહેલા જ આ મહિલા કોન્સ્ટેબલ વડોદરા જિલ્લાના ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તે સમય દરમિયાન પણ તેઓ ગુમ થયાનો કિસ્સો સામે આવ્યો હતો.
ગુપ્તરાહે તપાસનો ધમધમાટ: મળેલી માહિતી અનુસાર અનુસાર વડોદરા જિલ્લાના ડેસર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીનુ શુક્રવારે સવારે અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે આ બનાવની જાણ વડોદરા જિલ્લા પોલીસનાં કાને પડતા પોલીસ ખુબ જ ગુપ્તરાહે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં જિલ્લા પોલીસની વિવિધ ટીમ મણીબેન ચૌધરીને શોધવામાં કામે લાગી છે. પરંતુ ચોવીસ કલાસ જેટલો સમય વિતી ગયા હોવા છતાં, મણીબેન ચૌધરીનો હજી સુધી કોઇ પત્તો લાગ્યો નથી.
'મણીબેન ચૌધરી ગુમ થયા હોવાની ફરિયાદ મૈત્રી કરારથી તેઓની સાથે રહેતાં સદ્દામ ગરાસીયાએ નોંધાવી છે, જે અંગે પોલીસે આગળની કાનૂની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.'-દિનેશભાઈ, પી.એસ.ઓ
અપહરણની ફરીયાદ:જોકે આ મામલે મહિલા પોલીસ કોન્સ્ટેબલની સાથે રહેતા સદામ ગરાસીયાએ ડેસર પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરીયાદ નોંધાવી છે. આ બાબતે પોલીસ તંત્ર ઢાંકપિછોડો કરતું હોય તેમ લાગી રહયું છે. જાન્યુઆરી 2023 માં આ જ મહિલા કોન્સ્ટેબલ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, તે સમય દરમિયાન પણ ગુમ થયા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. તેમાં પણ પોલીસ તંત્ર દ્વારા ઢાંકપિછોડો કરી પૂર્ણવિરામ લાવી દેવામાં આવ્યું હતું.
પરિવારને કરી હતી જાણ: 16 જાન્યુઆરી 2023ના રોજ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીએ કે જેઓ 8 દિવસની રજાનો રિપોર્ટ મુકી સાંજના સમયે પોલીસ સ્ટેશનથી નિકળી ગયા હતા. તે પછી બનાસકાંઠા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતી પોતાની મોટી બહેનને સંદેશો પાઠવ્યો હતો કે, હું મારી મરજીથી વિદેશ જવું છું. ત્યારબાદ તેની મોટી બહેન અને પરિવારે ડભોઇ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, પરંતુ મણીબેનનો ફોન બંધ આવતો હતો. આ પછી પરિવારજનો ડભોઇ પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતા અને જાણવા જોગ અરજી કરી હતી.
સદામ સાથે મૈત્રી કરાર કર્યો હોવાનો ખુલાસો:આ મામલે ડભોઇ પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન એવી વિગતો સપાટી પર આવી હતી કે, ડભોઇ તાલુકાનાં મોટા હબીપુરાનો યુવક સદામ ગરાસીયા પણ ગુમ થઇ જતા બન્ને સાથે ગયા છે કે કેમ ? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એવી પણ વિગતો બહાર આવી કે, બન્ને પાસે કોઇ પાસપોર્ટ નથી અને બન્નેએ ગત તા. 28મી ડિસેમ્બરના રોજ મૈત્રી કરાર કર્યો હોવાનુ જાણવા મળ્યું હતુ. બન્ને છેલ્લા 6 માસથી પરિચયમાં હતા અને તે પછી તે ભાગ્યા હતા. પોલીસની વિવિધ ટીમો આ બન્નેને શોધી કાઢવા દિવસ રાત એક કરી રહીં હતી. તેવામાં જાણકારી મળી કે, આ બન્ને મુંબઇ પાસે છે. જેથી પોલીસ તે દિશામાં તપાસ હાથ ધરી અંદાજીત 6 દિવસમાં બન્નેને મહારાષ્ટ્રના કોલ્હાપુરથી ઝડપી પાડ્યાં હતા.
અપહરણનું તારણ:જાણવા મળતી માહિતી મૂજબ મણીબેન સાથે રહેતા મૈત્રી સદામ ગરાસીયાએ ડેસર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરીયાદ નોંધાવી છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીની ડભોઇથી ડેસર બદલી થતા તેઓ ડેસર તાલુકાના વેજપુર સ્થિત ભાડાના મકાનમાં રહેં છે. મણીબેન ચૌધરીની ડેસર પોલીસ સ્ટેશનમાં નોકરી હોવાથી તેઓ આજે (શુક્રવારે) સવારે ફરજ પરથી પરત ઘરે આવી રહ્યાં હતા. આ દરમિયાન વેજપુર કેનાલ પાસે એક કાળા રંગની કારમાં સવાર ત્રણ શખ્સોએ તેમનું અપહરણ કરી ગયા હોવાનુ જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, મણીબેન ચૌધરી સદામ ગરાસીયા સાથે મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતા.
SPના નિર્ણયથી પોલીસ બેડામાં ખળભળાટઃડભોઇ પોલીસ બેડામાં આ મહિલા કોન્સ્ટેબલની ઘટનાને લઈને ભારે વિવાદ થયો હતો. આના કારણે તાત્કાલિક ધોરણે તેઓની બદલી ડેસર કરી દેવામાં આવતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. થોડાક સમયમાં જ આ કોન્સ્ટેબલનું અપહરણનો મામલો સામે આવ્યો છે.
- Surat Crime : બે સંતાનની માતા પર દુષ્કર્મ આચરતો યુવક, પતિએ હિંમત બંધાવતાં મહિલાએ કરી પોલીસ ફરિયાદ
- UP Crime: રાજસ્થાનમાં UPની મહિલા પર પર દુષ્કર્મ, હરિયાણામાં બિહારના યુવક સામે FIR