વડોદરા: ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આગામી કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં બન્ને રાજકીય પક્ષ કોંગ્રેસ તથા ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવી કરજણ બેઠક જીતવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવી ગયા છે.
કરજણમાં BJP યુવા કાર્યકારોનું યુવા સંમેલન યોજાયું
વડોદરા જિલ્લાના કરજણ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરોનું યુવા સંમેલન યોજાયું હતું. જેમાં આગામી કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ સામે બાથ ભીડવા તૈયારી શરૂ કરી છે. જેના ભાગરૂપે કરજણની પટેલ વાડી ખાતે શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરોનું યુવા સંમેલન યોજાયું હતું. જેમાં કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ આગામી વિધાનસભાની કરજણ બેઠકની પેટા ચૂંટણીમાં યુવાનોને ખભે ખભા મિલાવી ભાજપને વિજયી બનાવવા કામે લાગી જવા હાકલ કરાઇ હતી. આ પ્રસંગે યુવા ગુજરાત પ્રદેશ પ્રમુખ ઋત્વિક પટેલ, પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ, કરજણ ભાજપ શહેર પ્રમુખ ઉપેન્દ્ર શાહ, અગ્રણી પ્રદીપસિંહ રાજ સહિત યુવા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.