- દોલતપુરામાં પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત
- સાસરિયાઓએ ત્રાસ આપી ઘરેણાં પહેરવા આપ્યા નહીં
- ડેસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
વડોદરા: ડેસર તાલુકાના દોલતપુરા ખાતે રહેતા બળવંત સિંહ પરમારના દિકરા શિવાંગ પરમારના લગ્ન 27 ફેબ્રુઆરીના રોજ ગોધરા તાલુકાના મોતાલ ગામે દાદુભાઇ ચંદુભાઈ સોલંકીની પુત્રી અલકાબેન ઉંમર 18 સાથે હિન્દુ રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નના ટૂંકા સમયગાળામાં સાસરીમાં પતિ શિવાંગ પરમાર અને સાસુ સરોજબેન પરમાર દ્વારા માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેમાં અલકાબેનને પિયરમાંથી આપેલા ઘરેણાં સાસરિયાઓ દ્વારા પહેરવા માટે આપ્યા ન હતા.
ઉપરોકત બાબતે પરિણીતાએ તેના પિતા દાદુભાઇ સોલંકીને બે દિવસ પહેલા ફોન ઉપર જણાવ્યું હતું કે, મારા સાસુ અને પતિ મને મારા ઘરેણાં પહેરવા આપતા નથી. જેમાં પોતાના ઘરેથી આપેલા ઘરેણાં ન આપતા અલકાબેનને લાગી આવતા 28 જુલાઇના રોજ બપોરે 12:30 વાગ્યાના અરસામાં પતિ અને સાસુ ખેતરમાં ઘાસ લેવા માટે ગયા હતા અને સસરા શાકભાજી વેચવા માટે સવારે નીકળી ગયા હતા. ત્યારે ઘરે એકલી પરિણીતાએ ગળેફાંસો ખાઇને જીવનનો અંત આણ્યો હતો.
વડોદરા ડેસર તાલુકાના દોલતપુરામાં પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત ગેમલ પુરાના વજેસિંહ ચૌહાણે પરિણીતાના પિતાને ફોન ઉપર જાણ કરતાં તેઓ મોતાલ ગામેથી સગા સંબંધીઓ સાથે દોલતપુરા દોડી આવ્યા હતા અને વિગત જાણી ડેસર પોલીસ મથકે તેના પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, મારી દીકરીને અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ દહેજમાં આપેલ રકમ પહેરવા ન આપતા ઝઘડો કરી માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરી હતી. ડેસર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વસાવાએ ગુનો નોંધી પરણિતાના મુતદેહને ડેસર સીએચસી ખાતે લાવી પીએમ કરાવી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.