વડોદરાઃ શહેરથી સાવ અર્ધા કલાકના અંતરે ભિલાપુર પાસે નાનકડું વાયદપુરા ગામ આવેલું છે. આ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય, શાળાના લગભગ એક વિઘાના ખેતર જેટલી જમીનમાં છેલ્લા 17 વર્ષથી શાક વાડી ઉછેરે છે. વિવિધ પ્રકારના ચોમાસુ અને શિયાળુ શાકભાજી ઉછેરે છે. એમાં શાળાના અન્ય શિક્ષકો, ગામના ખેડૂતો અને શાળાના બાળકો મદદરૂપ બને છે. આ સંનિષ્ઠ શિક્ષકે અત્યાર સુધી શાળાના આંગણામાં ઉછેરેલી શાકવાડીમાંથી મળેલા ઉત્પાદનનો રેકોર્ડ પણ રાખ્યો છે. તે પ્રમાણે છેલ્લા લગભગ 17 વર્ષમાં તેમણે 8000 કિલોગ્રામ એટલે કે 80 ક્વિન્ટલથી વધુ શાકભાજીનું ઉત્પાદન કર્યું છે.
છોકરાઓને ભણાવવા ઉપરાંત આ ઉત્પાદન તેમણે મેળવ્યું છે. તેમણે છોકરાઓને તમામ પ્રકારના શાકભાજી ઓળખતા અને હોંશે હોંશે ખાતા કરી દીધા છે. એમની શાળા શાકવાડીમાં છોકરા ધરાઈને ખાય તો પણ વધે એટલું શાકનું ઉત્પાદન થાય છે, એટલે વધારાનું શાક તેઓ ગામની આંગણવાડીને આપે છે. જે કારણે ભૂલકાઓને પણ પૂરક પોષણનો લાભ મળે છે.
આ ઉપરાંત તેઓ રાજ્ય સરકારની, ગામ લોકોને શાળાઓ સાથે લાગણીના સંબંધથી જોડવા માટેની તિથિ ભોજન યોજના હેઠળ દર વર્ષે શાળામાં દાતાઓની મદદથી સરેરાશ 50 જેટલાં તિથી ભોજન યોજે છે. પરિણામે, ગામલોકો શાળામાં બાળકો સાથે જન્મ દિવસ, લગ્ન તિથિ, સ્વજનોની પુણ્ય તિથિ ઉજવતા થયા છે. બાળકોને વારે તહેવારે મિજબાની માણવા મળે છે.
દેશના વડાપ્રધાને પોષણ તો દેશ રોશનનું સૂત્ર આપ્યું છે. જેને અનુસરીને ગુજરાત સરકારે ગતિશીલ સૂપોષણ અભિયાન આખા રાજ્યમાં શરૂ કર્યુ છે. નરેન્દ્ર ભાઈનો આ પ્રયોગ એક નવી દિશા દર્શાવે છે. નરેન્દ્ર ભાઈએ પોતાની સ્વયમ્ પહેલથી આ પ્રયોગ શરૂ કર્યો હતો. જે બાળકોના શાળામાંથી અપાતા બપોરના ભોજન તો વધુ સૂપોષક જ બનાવે છે, તેની સાથે આ પ્રયોગથી વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના શાકભાજીના છોડ, વેલાને ઓળખતા થયા છે. તેમને પર્યાવરણનું વાસ્તવિક શિક્ષણ મળ્યું છે. બાકી હાલ એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે, ખેડૂતોના સંતાનો હવે શહેરવાસી બની ગયા હોવાથી ફળ, ફૂલ અને શાકભાજીની ઓળખ વિસરાઈ રહી છે. આકરા ઉનાળાના અણસાર વર્તાઈ રહ્યા છે. તો પણ, હાલની ઘડીએ નરેન્દ્ર ભાઈની પ્રાથમિક શાળા ખેતરના ખોળે રમતી હોય એવું રળિયામણું દૃશ્ય જોવા મળે છે. અત્યારે તેમની શાળાનું આંગણ રીંગણ, ટામેટા, દૂધી, ગલકા, ફ્લાવર, કોબીજ, ગાજર, મૂળા, બીટ, ધાણા, મરચાં, પાલક, મેથી અને સુવા જેવા 14 પ્રકારના શાકભાજીના વાવેતરથી લીલુંછમ છે. શાકભાજીની આટલી વિવિધતા તો શાકવાળાની દુકાનમાં પણ જોવા મળતી નથી. શાળાના આંગણમાં શાકભાજીના ઉછેર અને મધ્યાહન ભોજનમાં પીરસાતી વાનગીઓમાં એના સમાવેશથી એક અણધાર્યો ફાયદો થયો છે.