વડોદરા : આગામી 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો 70મો જન્મ દિવસ વડોદરા શહેર અને જિલ્લામાં નારી સશક્તિકરણ પર્વ તરીકે ઉજવવાનું આયોજન કરવા જિલ્લા ઉજવણી સમિતિની બેઠક મળી હતી. જેમાં કલેક્ટર શાલિની અગ્રવાલે આ દિવસે મહિલાઓ દ્વારા આજીવિકા અને ઉપાર્જનલક્ષી પ્રવૃત્તિઓ પ્રવેગી બને તે પ્રકારના અસરકારક કાર્ય-આયોજનોનું માર્ગદર્શન આપ્યું હતું. આ દિવસે ગાંધીનગર ખાતે વડાપ્રધાન વિજય રૂપાણી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-શુભારંભ કરાવશે. જેનો હેતુ 1 લાખ જેટલી મહિલા સ્વસહાયતા જૂથોને પ્રત્યેકને રૂપિયા 1 લાખનું આર્થિક ધિરાણ આજીવિકામાં વધારો કરતી પ્રવૃત્તિઓ માટે આપીને, આ જૂથો સાથે સંકળાયેલી 10 લાખ મહિલાઓને નવ સશક્તિકરણ માટે સક્ષમ બનાવવાનો છે.
આ ધિરાણનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવે તે સહિત વિવિધ લાભદાયક અને પ્રોત્સાહક જોગવાઈઓ આ યોજનામાં છે. આ બેઠકમાં જિલ્લા કલેકટરે તેની વિગતવાર જાણકારી આપી હતી. તેમજ શહેર જિલ્લામાં આ દિવસે ત્રણ સ્થળે કાર્યક્રમો યોજીને મહિલા સમુદાયને આ યોજનાની વ્યાપક જાણકારી આપવાની રૂપરેખા જણાવી હતી. આ કાર્યક્રમોમાં મુખ્યપ્રધાન દ્વારા યોજનાના ઈ-લોન્ચિંગના પ્રસંગનું જીવંત પ્રસારણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતની મહિલા શકિતને આત્મનિર્ભર પગભર સ્વાવલંબી થવાના નવા દ્વાર વિજય રૂપાણીએ ખોલી આપ્યા છે. રાજ્યમાં પ્રથમ વાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને 10 લાખથી વધુ માતાઓ બહેનોને ઝીરો ટકા વ્યાજે લોન ધિરાણ અપાશે એમ કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ અગ્રેસર રહેશે એમ જણાવતાં કલેકટરે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગરથી ઈ-લોન્ચિંગ દ્વારા રાજ્યવ્યાપી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો શુભારંભ કરાવશે. જેને પરિણામે કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા શક્તિ-માતા બહેનોની આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખુલશે. વડોદરા જિલ્લામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના અસરકારક અમલ માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને 16 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.