વડોદરાઃ શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ચંદ્રાવતીનગરમાં રહેતા 40 વર્ષીય રાકેશ ગોવિંદભાઇ ચૌહાણ વરસાદી કાંસમાં બાઇક સાથે પડી જતાં ડૂબી જવાથી મોત થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં રાકેશ ચૌહાણ ઇલેકટ્રીશ્યન તરીકે કામ કરતો હોવાની માહિતી મળી હતી. રાકેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
વડોદરા શહેરમાં એક બાઇક સવારનું વરસાદી કાંસમાં પડી જતાં મોત - Makarpura GIDC
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા ચંદ્રાવતીનગરમાં એક યુવાનનું વરસાદી કાંસમાં બાઇક સાથે પડી જતાં ડૂબી જવાથી મોત થયુ હતું. પોલીસ તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
માંજલપુર પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી.માં જયંત ઓઇલ મિલ પાસેથી 20 થી 25 ફૂટ ઉંડી વરસાદી પાણી ભરેલી કાંસ પસાર થાય છે. એક યુવાન તેમાં બાઇક સાથે પડી ગયો હોવાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ફાયર બ્રિગેડની મદદ લઇ મૃતદેહને બહાર કઢાવ્યો હતો. શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે આ કાંસ જી.આઇ.ડી.સી.ના કેમિકલ મિશ્રીત વરસાદી પાણીથી છલોછલ હોવાથી બાઇક સાથે પડેલા રાકેશ ગોવિંદ ચૌહાણનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરમાં અનેક વરસાદી કાંસ ખુલ્લા છે.
ચોમાસામાં ખુલ્લા વરસાદી કાંસમાં પડી જવાના કારણે મોત થવાની ઘટનાઓ બનતી હોય છે. પરંતુ, કોર્પોરેશન દ્વારા ખુલ્લા વરસાદી કાંસોને બંધ કરવામાં આવતા નથી. મકરપુરા જી.આઇ.ડી.સી.માં જયંત ઓઇલ મિલ પાસેથી પસાર થતાં વરસાદી કાંસમાં બારે માસ જી.આઇ.ડી.સી.નું કેમિકલ પાણી જતું હોય છે. ચોમાસામાં વરસાદી પાણી જતું હોવાથી આ કાંસ નદીમાં ફેરવાઇ જાય છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતાં ખુલ્લા કાંસ કોર્પોરેશન દ્વારા બંધ કરવામાં નહિં આવે તો હજુ પણ રાકેશ જેવા યુવાનો ભોગ બનશે તે વાતને પણ નકારી શકાય તેમ નથી.