વડોદરા એરપોર્ટ ઉપરથી 20 વર્ષીય નકલી પાયલોટ ઝડપાયો વડોદરા:આપણે નકલી પોલીસ, નકલી પીઆઈ બનતા જોયા છે. પરંતુ નકલી પાયલોટ પ્રથમવાર નજરે પડ્યો છે. હાલમાં નવ યુવાન પેઢી સોશિયલ મીડિયાના માધ્યમથી અવનવી પોસ્ટ જોતા હોય છે અને તેનું પુનરાવર્તન કરતા હોય છે. ત્યારે તેઓ જ એક કિસ્સો આજે વડોદરા એરપોર્ટ પરથી જોવા મળ્યો હતો.
ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા: ઝડપાયેલા યુવકનું નામ રક્ષિત માંગેલા છે. આ યુવક મૂળ મુંબઈના વિલે પાર્લેનો વતની છે. અસલમાં યુવકને અસલી પાયલોટ બનવાની ઈચ્છા હતી. પરંતુ ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેને મુંબઈની જ એક ખાનગી ઇન્સ્ટિટ્યૂટમાં ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે તાલીમ મેળવી હતી. છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે આ યુવકે નકલી પાયલોટ બનવાનું મન બનાવી લીધું હતું. આ યુવકે ફ્લાઇટમાં પ્રવેશતા પહેલા પાયલોટ તેમજ ફ્લાઇટ પાસે ફોટા પડાવી યુવતીઓને મોકલવાનું શરૂ કર્યું હતું.
સુરક્ષા એજન્સીઓએ કર્યો પર્દાફાશ: અમદાવાદ, રાજકોટ તેમજ મુંબઈ, નેધરલેન્ડ સહિત ચાર ગર્લફ્રેન્ડ બનાવી લીધી હતી. આ યુવક હવાઈ મુસાફરી કરવા માટે પોતાની નેધરલેન્ડમાં રહેતી ગર્લફ્રેન્ડ પાસે ફ્લાઇટની ટિકિટ બુક કરાવતો હતો. યુવતીઓને ઈમ્પ્રેસ કરવામાં માહિર આ યુવકને જાણ થઈ હતી કે તેની એક ગર્લફ્રેન્ડ હાલ હૈદરાબાદ છે. જેથી તે વડોદરા એરપોર્ટ ખાતે આવ્યો હતો અને ફ્લાઇટ મારફતે હૈદરાબાદ પોતાની ગર્લફ્રેન્ડ ને મળવા જવાનું નક્કી કર્યું હતું. પરંતુ વડોદરા એરપોર્ટ ખાતે જ આ યુવકનો ભાંડાફોડ થઈ ગયો હતો. જેથી એરપોર્ટ સુરક્ષા એજન્સી દ્વારા હરણી પોલીસે યુવકનો કબજો સોંપવામાં આવ્યો હતો.
હરણી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ:સીઆઇએસએફ દ્વારા વડોદરા હરણી પોલીસ મથકે આ યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ મથકે લાવી તેની વધુ પૂછપરછ શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ આ યુવક માત્ર પોતાની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે જ આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ યુવકે પોતે પાયલોટ હોવાની ઓળખ આપી ચાર જેટલી યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારે હરણી પોલીસે આ યુવકને તેની તમામ ગર્લફ્રેન્ડને એક મેસેજ કરવા કહ્યું હતું. પોલીસે યુવક પાસે હું અસલ પાયલોટ નથી તેવો મેસેજ લખાવી યુવકના હાથે જ તમામ યુવતીઓને મેસેજ કરાવી દીધો હતો. પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓને તપાસમાં યુવક પાસે કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલા હોય તેવા કોઈ શંકાસ્પદ દસ્તાવેજ કે અન્ય માહિતી ન મળતાં મોડી રાત્રે આ યુવકને તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો.
- Vadodara SOG caught suspected chemical : વડોદરા SOGએ દરોડો પાડી 1000 કિલો શંકાસ્પદ કેમિકલ સાથે એકની ધરપકડ કરી
- Vadodara News: કરોડોના ડીઝલ કૌભાંડમાં વધુ એકની ધરપકડ, જવાહરનગર પોલીસે વડોદરાના જાણીતા વકીલને ઝડપ્યો