પારુલ યુનિવર્સિટી પેપર લીક મામલે 2 લોકોની અટકાયત વડોદરા :પારુલ યુનિવર્સિટીમાં ઓક્ટોબર મહિનામાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન બે વિષયના પેપર લીક થયા હતા. આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બંને પેપર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં ફરજ બજાવતા ઓફિસ આસિસ્ટન્ટે લીક કર્યા હતા. હાલ વાઘોડિયા પોલીસે આ મામલે 2 વ્યક્તિની અટકાયત કરી છે.
પેપર લીક ક્યાંથી થયું ? આ અંગે મળતી વિગત અનુસાર વડોદરા જિલ્લામાં વાઘોડિયા નજીક આવેલ પારૂલ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં ફરજ બજાવતા ઓફિસ આસિસ્ટન્ટે બીટેક કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના ઔપચારિક ભાષા અને ઓટોમેટા થીયરીનું પેપર લીક કર્યું હતું. યુનિવર્સિટીની એમઆઈએસ સિસ્ટમમાંથી રાત્રીના સમયે ચોરી છૂપીથી પેપર મેળવી લેવામાં આવ્યું હતું. આર્થિક ફાયદા માટે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પેપર આપી કોલેજના અન્ય વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી છેતરપિંડી આચરી હોવાની વિગતો સામે આવી હતી.
2 શખ્સની ધરપકડ : બાદમાં આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આ અંગેની કોલેજના કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન તરીકે ફરજ બજાવતા કર્મચારીએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. જાણવા મળતી માહિતી મુજબ કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારી સહિત એક વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે.
પેપર સેટ કરવાની સિસ્ટમ :ઉલ્લેખનિય છે કે, ફેકલ્ટીના પેપરો તૈયાર થયા બાદ યુનિવર્સિટીના સોફ્ટવેર એમઆઇએસમાં જે તે વિષયના પ્રોફેસર ઉપયોગ કરતા હોય છે. પેપર અપલોડ થયા બાદ યુનિવર્સિટીની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ પેપર તૈયાર કરવામાં આવે છે. કોઈ ભૂલ કે અગાઉ બહાર પાડેલ પેપર રિપીટ થયેલા છે કે કેમ તે ખાતરી કરવા માટે કોલેજના કોઈ એક પ્રોફેસરની નિમણુંક કરી પરીક્ષા વિભાગમાં મોકલી આપતા હોય છે.યુનિવર્સિટીના કર્મચારીના મારફતે રીવ્યુની કામગીરી પરીક્ષાના આશરે એક-બે કલાક પહેલા કરવામાં આવે છે. આ પેપરમાં ભૂલો વગેરે હોય તો રિવ્યુ કરનાર પ્રોફેસર અમુક ટકાવારી સુધારો કરે છે. પેપર તૈયાર થયા બાદ જે તે ફેકલ્ટીના પ્રિન્સિપાલને સિસ્ટમમાં અપલોડ કરી મોકલી આપવામાં આવે છે. આ કામગીરી માટે અલગ અલગ વિભાગોમાં યુનિવર્સિટીએ કર્મચારીઓની નિમણુંક કરેલ છે.
બે વિષયના પેપર થયા લીક :પારુલ યુનિવર્સિટીમાં કામગીરી કરનાર રાજુભાઈ જશવંતસિંહ બારીયાની ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. ચાલુ વર્ષે અલગ અલગ ફેકલ્ટીના સેમેસ્ટરની પરીક્ષા પારુલ યુનિવર્સિટી તરફથી નક્કી કરેલા ટાઈમ ટેબલ મુજબ લેવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં એન્જિનિયરિંગ વિભાગના સેમેસ્ટરની પરીક્ષા તારીખ 25/10/23 થી શરુ કરવામાં આવી હતી. એન્જિનિયરિંગ વિભાગના બીટેક કોમ્પ્યુટર સાયન્સના પાંચમાં સેમેસ્ટરના કુલ છ પેપર હતા. જે પૈકી ઔપચારિક ભાષા અને ઓટોમેટા થીયરીનું પેપર પૂરું થયા બાદ બપોરના સમયે કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળ્યું કે, પેપર પહેલાથી જ વોટ્સએપ ગ્રુપમાં ફરતું હતું.
ઘર કા ભેદી લંકા ઢાયે : આ બાબતે યુનિવર્સિટી દ્વારા કમિટીની રચના કરવામાં આવી હતી અને કમિટીના સભ્યોને તપાસ આપવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, તારીખ 22-11-2023 ના રોજ પરીક્ષા વિભાગમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા રાજકુમાર જશવંતસિંહ બારીયાએ પરીક્ષા પહેલા કોલેજની સિસ્ટમમાં આ ઔપચારિક ભાષા અને ઓટોમેટા થીયરીના કુલ ચાર પેપર ડાઉનલોડ કરી લીધા હતા.
આર્થિક લાભ માટે કર્યો કાંડ : આરોપી સાથે પેપર લીક થયા સંબંધે પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓએ પેપર ડાઉનલોડ કરી પોતાના આર્થિક ફાયદા માટે કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈ પેપર આપ્યું હતું. જેથી યુનિવર્સિટી પરીક્ષા વિભાગમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા રાજકુમાર જશવંતસિંહ બારીયા, વિદ્યાર્થી લક્ષ્મણ તુલસીભાઈ રાવલ અને સુમનદીપ સામે છેતરપિંડી અંગેની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.
પોલીસ કાર્યવાહી : પારુલ યુનિવર્સિટીના પ્રોફેસર અને કોલેજના કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન તરીકે ફરજ બજાવતા નનિરકુમાર રમેશચંદ્ર ભાવસારે મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, અમારું કામ એક્ઝામિનેશન વિભાગ સાથે જોડાયેલું છે અને તેમાં ગુપ્તતા જાળવવાની હોય છે. પરંતુ આ પેપર લીકની ઘટના બનતાં અમે ફરિયાદ નોંધાવી છે. આમ પારુલ યુનિવર્સિટીના કર્મચારીઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાનૂની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
- વડોદરા ક્રાઈમ ન્યૂઝઃ બાઈકના શો રુમમાંથી ટ્રાયલ લેવાના બહાને બાઈક લઈને ચોર છુમંતર થયો
- Spa Raid : વડોદરા શહેરમાં સતત બીજા દિવસે ચેકીંગ 10થી વધુ સ્પા સંચાલકો સામે કાર્યવાહી, એક સ્પા સંચાલકનું સ્ફોટક નિવેદન