ગૂરૂવારે અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે અમરેલી જિલ્લા પોલીસ વડાએ આરોપી કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજાને ફરજમુક્ત કરવાનો આદેશ કરવામાં આપ્યો છે.
વીડિયોમાં આરોપી કૉન્સ્ટેબલ કોઈ મહિલા બુટલેગર સાથે વાત કરતાં જોવા મળે છે. જેમાં તે કહે છે કે, તેના ઈશારે દારૂનું વેચાણ થાય છે. જો તે તેનું કહ્યું નહીં માને તો તેમને દારૂ વેચવો ભારે પડશે. આ વીડિયો અમરેલી જિલ્લાના પોલીસ વડા નિર્લિપ્ત રાયે પોલીસ ગ્રુપમાં મૂક્યો હતો. જેથી આ લાંચિયા પોલીસકર્મી તંત્ર સામે ખુલ્લો પડ્યો છે.
અમરેલીમાં ઉઘરાણી કરતાં પોલીસકર્મીનો વીડિયો થયો વાયરલ... આ ઘટના બાદ આરોપી પોલીસકર્મીને તંત્રએ ફરજમુક્ત કરવાનો આદેશ કર્યો હતો. જેથી અમરેલી પોલીસબેડામાં ખળભળાટ મચ્યો હતો. આ અંગે વાત કરતાં વિભાગીય પોલીસ અધિકારી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે," આરોપી કૉન્સ્ટેબલ પ્રથમ દ્રષ્ટિએ કસૂરવાર હોવાનું જણાઈ આવે છે. તેમ છતાં પોલીસ દ્વારા વીડિયોની ફોરેન્સિક તપાસ કરી સમગ્ર કાંડમાં અન્ય પોલીસ કર્મીઓ સામેલ છે કે નહિ તે તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, બીટ કોઈન કાડમાં અમરેલી પોલીસ સમગ્ર રાજ્યમાં વગોવાઈ હતી.ત્યારે વધુ એક કૉન્સ્ટેબલ ગેરકાયદેસર દારૂ વેચવાના બદલામાં કેટલીક માગણીઓ કરતો હોવાનો તેવો વિડિયો વાયરલ થતાં ફરી એક વખત અમરેલી પોલીસ શંકાના ઘેરામાં જોવા મળી રહી છે. જો કે, આ વીડિયોની પુષ્ટિ ETV ભારત કરતું નથી.