- તૌકતે વાવાઝોડાએ સમગ્ર રાજ્યમાં તબાહી મચાવી દીધી
- ભારે પવન અને વરસાદ વચ્ચે અનેક લોકો અટવાયા
- વડોદરા પોલીસ નિરાધારોના વ્હારે આવી અને ખાખીમાં પણ માનવી હોવાનો દાખલો બેસાડ્યો
વડોદરા: આમ તો પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનુ છે. પરંતુ કોરોના હોય કે પછી પૂરની સ્થિતિ કે પછી તૌકતે વાવઝોડાની તબાહી પોલીસ હંમેશા પ્રજાની મદદે પહોંચે છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો તૌકતે વાવઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. જેથી વાહનવ્યવહાર ખોરવાયો હતો. આવા સંજોગોમાં મદદ માટે રાહ જોવા કરતા વડોદરા ગ્રામ્ય પોલીસના જવાનો જાતે જ ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવાની કામગીરીમાં લાગ્યા હતા.
રસ્તા પર આવી ગયેલા પરિવારને આપ્યો આશરો
તૌકતે વાવાઝોડાના કારણે ઝુંપડામાં રહેતા પરિવારોની હાલત કફોડી બની હતી. વડોદરા શહેરમાં મજૂરી કામ કરવા આવેલો પરિવાર પતરાનુ ઝુંપડું બાંધી રહેતો હતો. મંગળવાર સવારથી જ શહેરમાં ભારે પવન ફુંકાતા આ પરિવારના ઝુંપડામાં પતરા વાવાઝોડામાં ઉડી જતા માસૂમ બાળકી સાથે માતા-પિતા રસ્તા પર આવી ગયા હતા. ભારે પવન સાથે વરસાદ વરસતા કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણ ઠંડુ ગાર બની ગયું હતુ. જેથી ભરતભાઇ રાવત પત્ની અને બાળક સાથે અલકાપુરી સ્થિત બંધ દુકાન બહાર તાપણુ કરવા મજબૂર બન્યા હતા. આ સમયે લક્ષ્મીપુરા પોલીસના કર્મીઓની નજર તેમના ઉપર પડતા બાળક સાથે માતા પિતાને સલામત સ્થળે લઇ જઇ રહેવા સાથે જમવાની પણ વ્યવસ્થા કરી આપી હતી.