- રાજકોટના યુવાનનો અનોખો પ્લાઝમા યજ્ઞ
- નવ-નવ વખત પ્લાઝમા ડોનેટ કરી કોરોનામુક્ત લોકોને આપી રહ્યો છે પ્રેરણા
- રાજકોટનો સાગર ચૌહાણ કરી રહ્યો છે માનવતાની સેવા
રાજકોટ: રાજકોટની વ્રજભૂમી સ્કુલના વાઇસ પ્રિન્સીપાલ સાગરભાઇ ચૌહાણે નવ-નવ વખત પ્લાઝમા ડોનેટ કરી અન્યોને પણ પ્લાઝમા ડોનેટ કરવા પ્રેરણા આપીને માનવજીવનને સાર્થક કરવાનો રાહ બતાવ્યો છે. ગતવર્ષે 9મી નવેમ્બરના રોજ કોરોના સંક્રમિત થયેલા સાગરભાઇ ચૌહાણ હોમ કવોરેંન્ટાઇન રહીને માત્ર સાત દિવસમાં કોરોનામાંથી મુક્ત બન્યા હતા. ત્યારબાદ શિક્ષણ જગતના આ યુવાને સમાજને રાહ ચિંધવાના ભગરીથ કાર્યના પડકારને ઝીલી ચેરીટી બીગીન્સ ફ્રોમ હોમ એ કહેવતને સાર્થક કરતાં સૌ પ્રથમ તા. 25મી ડીસેમ્બરના રોજ પ્લાઝમા ડોનેટ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં તેઓ લગલગાટ નવ વખત પ્લાઝમા ડોનેટ કરી ચુકયા છે.
લીવર અને કિડનીના દર્દથી પીડીત દર્દીઓ માટે પ્લાઝમા થેરાપી વધુ અસરકારક
હાલ કોવિડ-19ના દર્દીઓની અનેકગણી સંખ્યા હોય અને તેમાંય ખાસ કરીને કો-મોરબીટ એટલેકે લીવર અને કિડનીના દર્દથી પીડીત દર્દીઓ પણ હોય તેઓને રેમેડીસીવર ઇન્જેકશનની સારવાર કરતાં પ્લાઝમા થેરાપી વધુ કારગર અને સચારૂ બની રહે છે. ડોનરની શારીરીક તપાસ બાદ માત્ર 40 થી 60 મીનીટમાં પ્લાઝમા મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થઇ જાય છે. માત્ર એક જ વાર વાપરી શકાય તેવી ખાસ કીટમાં પ્લાઝમાને એકત્ર કરી તેને બારકોડ વડે યુનીક નંબર આપી વૈજ્ઞાનિક પધ્ધતીથી સંગ્રહ કરવામાં આવે છે. આ એક સરળ પ્રકિયા છે. કોરોનામુક્ત બનેલો દર્દી 28 દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરી શકે છે. એટલું નહીં એકથી વધુ વખત પ્લાઝમા ડોનેટ કરી શકે છે. જે માગ મુજબ કોરોના દર્દીને ક્રોસ ચેકીંગ કરીને આપવામાં આવતા કોરોનામુક્ત બનાવવા સહાયક બને છે.