મોરબીઃ જિલ્લામાં સાર્વત્રિક ભારે પવન સાથે વરસાદ, અનેક સ્થળે નુકસાનીના દર્શ્યો સર્જાયા હતા. જિલ્લામાં મેધરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. જેમાં સૌથી વધુ વરસાદ માળિયા તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, તો વાંકાનેર અને હળવદમાં 1.5 કરતા વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે ટંકારામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે, તો મેધરાજાની ધમાકેદાર એન્ટ્રીને પગલે અનેક વિસ્તારોમાં વીજપોલ અને ઝાડ ધરાશાયી થયા હતા. જેને પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત પીજીવીસીએલની ટીમે રાત્રીના જ કામગીરી હાથ ધરી હતી.
મોરબી જિલ્લામાં રાત્રીના મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેમાં મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદે મોરબી 39 મીમી, વાંકાનેર 40 મીમી, હળવદ 35 મીમી, ટંકારા 22 મીમી અને માળીયામાં 54 મીમી વરસાદ નોંધાયો હતો.
ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં નુકસાની જોવા મળી છે. આ વરસાદને પગલે જિલ્લાના મોટાભાગના સ્થળોએ અંધારપટ્ટની સ્થિતિ સર્જાઈ હતી. અનેક ફીડરો બંધ પડી ગયા છે. જેમાં મોરબીના 15, મોરબી ગ્રામ્યના 25 ફીડરનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત PGVCLના ટીસી અને વિજપોલોને પણ ઘણું નુકસાન થયું છે. તો અનેક સ્થળે ઝાડ પણ પડ્યા છે, તો શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા PGVCLનો સ્ટાફ ચાલુ વરસાદે કામે લાગી ગયો હતો અને રાત્રીના જ લોકોને વીજળી પુરવઠો કાર્યરત કર્યો હતો.