અમદાવાદ: ઓનલાઇન છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવી રહ્યાંં છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર પૈસા ટ્રાન્સફર કરી આપવાની જાહેરાતની લાલચમાં આવી પૈસા ટ્રાન્સફર કરાવવા જતાં વાડજના એક વ્યક્તિએ એક લાખ રૂપિયા ગુમાવવા પડ્યા છે. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
શહેરના વાડજ વિસ્તારમાં રહેતા પિયુષ કુમાર પરમાર સીજી રોડ ખાતે એક કંપનીમાં માર્કેટિંગનું કામ કરે છે. જૂન માસમાં ફેસબુક પર માર્કેટ પ્લેસમાં જાહેરાત વાંચી હતી કે, ક્રેડિટ કાર્ડ ટુ બેન્ક ટ્રાન્સફર 1 ટાકા ઇન્સ્ટન્ટ પેમેન્ટ. પૈસાની જરૂર હોવાથી આ જાહેરાતમાં લખેલા નંબર પર તેમણે ફોન કર્યો હતો. ફોન પર જીગ્નેશ ઠક્કર નામના વ્યક્તિએ વાત કરી હતી અને ભરોસો આપ્યો કે, ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરવાના 30 મિનિટમાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. જેથી પિયુષ કુમારે આધાર કાર્ડ અને ક્રેડિટ કાર્ડની વિગતો સામેવાળા વ્યક્તિને આપી દીધી હતી.