તાલાલાના છેવાડાના 5 ગામોમાં પીવાના પાણીની ભારે તંગી
પીખોર, સેમલીયા, ગુંદાળા, જમાલપરા અને રાયડી ગામના તળમાં પાણી ખૂટ્યાં
સાત દિવસે માત્ર 200 લિટર પાણી મળતું હોવાથી ટેન્કરો ચાલુ કરવા સરપંચોની માંગ
ગીર સોમનાથ: તાલાલા ગીર પંથકના છેવાડાના 5 ગામોમાં ગ્રામ પંચાયતની પાણી પૂરવઠા યોજનાના કુવા તથા બોરના પાણીના તળમાં પાણી ખલાસ થઇ ગયુ છે. પાણી યોજનાના કુવા તથા બો૨માં જે કંઇ પાણી બચ્યુ છે તે એકત્ર કરી કુવામાં નાખવામાં આવે છે. આ પાણી સાત દિવસ પછી નળ વાટે ગામની પ્રજાને આપવામાં આવે છે. આ પાણી ગામની પ્રજાને સાત દિવસે માત્ર 200 લીટર જેટલું મળી રહ્યું છે. જે અપુરતું હોવાથી પાંચેય ગામની પ્રજા ત્રાહીમામ પોકારી રહી છે.
સત્તાવાળાઓની અવગણનાને પગલે ગ્રામજનોને હાલાકી
આ વિસ્તારના તળમાં કોઇપણ જગ્યાએ પાણી નથી. જેથી પાણીના બોર કે કુવા ઉંડા કરવાથી પણ કોઇ પરિણામ આવતુ નથી. આ વિસ્તારના 8 થી 10 ગામોના માનવવસ્તીને કાયમી સરળતાથી પીવાનું પાણી આપવું હોય તો આ વિસ્તારથી 10 કિ.મી. દૂર આવેલા રંગપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા યોજનાની પરી યોજનાની પાણીની પાઇપલાઇનમાંથી જોડાણ આપવામાં આવે તો જ પીખોર, સેમળીયા, રાયડી સહિતના 8 થી 10 ગામને પીવાનું પાણી મળી શકે તેમ છે. આ બાબતે રજુઆત કરાઈ હોવા છતાં સત્તાવાળાઓ ધ્યાને લેતા નથી.
ટેન્કરો દોડાવવાની સરપંચોએ કરી માગ
રાયડી ગામના સરપંચ અજયભાઈ ગરણીયા એ જણાવ્યું હતું કે, અત્યારે પાંચ ગામની સાત હજારની માનવ વસ્તી પીવાનું પાણી મેળવવા ગામની સીમમાં આવેલ વાડી-ખેતર સુધી ભટકવું પડતું હોય પરિણામે પ્રજા દયાજનક સ્થિતીમાં મુકાઇ ગઇ છે. જેથી પ્રજાને પીવાનું પાણી નિયમિત આપવા માટે ટેન્કરો દોડાવવાની ઘણા દિવસો પહેલા જ સરપંચો દ્વારા માંગણી કરાઇ છે. તેમ છતાં આજદિન સુધી પાણીના ટેન્કરો શરૂ ન થયા હોવાથી લોકો પાણીના એક એક બેડા માટે વલખા મારી રહ્યા છે. જે બાબતે તંત્ર અને જવાબદાર અધિકારીઓએ સત્વરે ધ્યાન આપી ટેન્કરો શરૂ કરવા જોઈએ તેવી લોકોમાંથી પણ માંગ ઉઠી છે.