વલસાડના નાયબ મામલતદારનું કોરોનાથી નિધન
ઓક્સિજન ડાઉન થઈ જતા મોત નીપજ્યું.
ભિલાડ ચેકપોસ્ટ પર RT-PCR રિપોર્ટ ચેક કરવાની ફરજ બજાવતા હતા.
વાપી :- વલસાડ જિલ્લામાં નાયબ મામલતદાર તરીકે 1 વર્ષ પહેલા પ્રમોશન મેળવનાર યતીન પટેલનું કોરોનાથી નિધન થતા તેમના પરિવાર સહિત સરકારી કર્મચારીઓમાં શોકનું મોજું પ્રસર્યું છે. કોરોનાએ નાયબ મામલતદારને ભરખી લેતા તેમના પરિજનો ઘેરા શોકની લાગણી અનુભવી રહ્યા છે.
ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે કાર્યરત હતા
વલસાડ જિલ્લાના ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે ભિલાડ ચેકપોસ્ટ પર મુંબઈથી ગુજરાતમાં આવતા વાહનો ચાલકોના RT-PCR ચેક કરવાની જવાબદારી સાંભળતા નાયબ મામલતદાર 10 દિવસ પહેલા સંક્રમિત થતા સારવાર દરમિયાન શુક્રવારે મૃત્યુ થયું હતું. વલસાડ નાયબ મામલતદારનું મૃત્યુ થતા કર્મચારીઓમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી.
ભિલાડ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા નાયબ મામલતદારનું કોરોનાથી નિધન 1 વર્ષ પહેલાં પ્રમોશન મળ્યું હતુ
વલસાડ તાલુકાના કાપરી ગામમાં રહેતા યતીનભાઈ બી પટેલ 12 વર્ષ પહેલાં સરકારી નોકરીમાં જોડાયા હતા. 1 વર્ષ પહેલાં નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મેળવ્યું હતું. જેઓને કોરોનાના કેસોને લઈને ગુજરાતની ભિલાડ સરહદે મહારાષ્ટ્રથી આવતા તમામ લોકોના RT-PCRનો નેગેટિવ રીપોર્ટ ચકાસવાની થર્મલ સ્ક્રીનીંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
સરકારી કર્મચારીઓમાં શોકનું મોજું પ્રસર્યું
જે ફરજ દરમિયાન યતીનભાઈ પટેલ 10 દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. સંક્રમિત થતાની સાથે વલસાડ અને વાપીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગુરૂવારે રાત્રે ઓક્સિજન ડાઉન થઈ જતા એટેક આવવાથી મોત નીપજ્યું હતું. વલસાડ ભિલાડ ચેકપોસ્ટ ઉપર ફરજ દરમિયાન સંક્રમિત બનેલા નાયબ મામલતદારનું મૃત્યુ થતા સરકારી કર્મચારીઓમાં શોકનું મોજું પ્રસર્યું છે.