20મીની રાતથી ગુમ હતો યુવક
21મીએ સાંજે ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો
પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી
બારડોલી : બારડોલી તાલુકાનાં મોતા ગામે ખેતરમાંથી એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતાં હાલ પોલીસે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક તપાસની તજવીજ હાથ ધરી હતી.
ગત 20મીએ રાત્રે ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો યુવક
બારડોલી તાલુકાનાં મોતા ગામે નવી ગિરનાર જનતા ફળિયામાં રહેતા રાજુભાઈ સોમાભાઈ રાઠોડ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેનો 22 વર્ષીય પુત્ર અનિલ રાજુ રાઠોડ 20મી મેના રોજ રાત્રે 9 વાગ્યે જમ્યા વગર ઘરેથી કોઈને કઈ કહ્યા વગર નીકળી ગયો હતો. આખી રાત ઘરે નહીં આવતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. દરમ્યાન શુક્રવારે સાંજે 7 વાગ્યે મોતા ગામની સીમમાં જીતુભાઈ નગીનભાઈ પટેલના શેરડીના ખેતરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલાયો
પરિવારજનોએ પોલીસને જાણ કરતા મોતા બીટના જમાદાર અર્જુનભાઈ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. પરિવારજનોએ યુવકની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આથી પોલીસે મૃતદેહને ફોરેન્સિક PM માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ મોકલી હતી. હાલ બારડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.