- શુક્રવારે રાત્રે વ્યારામાં તલવારના ઘા ઝીંકી બિલ્ડરની હત્યા કરાઇ હતી
- હત્યા બાદ આરોપી કાર લઈને નાસી છૂટ્યા હતા
- પુરાવાનો નાશ કરવા કાર નહેરમાં ફેંકી હોવાનું અનુમાન
બારડોલી : બારડોલી તાલુકાનાં મઢી સુરાલી ગામની સીમમાંથી પસાર થતી નહેરમાંથી એક કાર મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જો કે કાર બહાર કાઢ્યા બાદ જાણવા મળ્યું હતું કે આ કાર શુક્રવારે રાત્રે તાપી જિલ્લાના વ્યારામાં થયેલા હત્યાના ગુનામાં વપરાય હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા કાર નહેરમાં ફેંકી દેવામાં આવી હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે. હાલ કારનો કબ્જો વ્યારા પોલીસે લઈ આગળની તપાસ હાથ ધરી છે.
ફાયરબ્રિગેડે અઢી કલાકની મહેનત બાદ કાર બહાર કાઢી
બારડોલી તાલુકાનાં મઢી સુરાલી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબાકાંઠા મુખ્ય કેનાલમાં એક કાર પડી હોવાની જાણકારી મળતા સ્થાનિક આઉટપોસ્ટના જમાદાર મુકેશ વેલજી સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં જઈને જોતાં નહેરમાં કારની પાર્કિંગ લાઇટ ચાલુ હતી. આથી પોલીસે બારડોલી ફાયર વિભાગને જાણ કરતાં ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કારને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ફાયરની ટીમે લગભગ 2 થી અઢી કલાકની જહેમત બાદ કાર નહેરમાંથી બહાર કાઢી હતી. નસીબજોગ કારમાંથી કોઈ વ્યક્તિ મળી આવી ન હતી.
કારનો કબ્જો વ્યારા પોલીસને સોંપ્યો