- પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડેભારી દ્વારા કોયડમ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
- રક્તદાન કેમ્પમાં 42 જેટલા રકતદાતાઓએ રક્ત દાન કર્યું
- રક્તદાન કેમ્પમાં 42 યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું
મહીસાગરઃ લુણાવાડામાં કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ જિલ્લાની એનેમીક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓ સાથે કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક ધોરણે અવિરત પણે રક્ત મળી રહે અને રક્તના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર કોયડમ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.બી.શાહની રાહબરીમાં ડેભારી પ્રાથમિક આરોગ્યના મેડિકલ ઓફીસર અને રેડ ક્રોસ સોસાયટીની ટીમ દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર કોયડમ ખાતે યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં 42 જેટલા રકતદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં પોતાનું યોગદાન આપી ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડી અન્યોને પ્રેરણા પૂરી પાડી હતી.
આ રક્તદાન કેમ્પમાં કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટેના સરકારની ગાઇડલાઇનના દિશાનિર્દેશોનું પાલન અને ફરજિયાત માસ્કનો ઉપયોગ તેમજ સામાજિક અંતર જાળવવાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું.