કૃષિપ્રધાન આર.સી.ફળદુએ તાઉતે વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડયું
વાવાઝોડા સંદર્ભે તંત્રની પ્રશંસનીય કામગીરી છતા લોકો સતર્ક રહી આગોતરૂ આયોજન કરે તે જરૂરી – આર.સી.ફળદુ
જામનગર: તાઉ’તે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે તેમજ તે અંગેની તમામ આનુસંગીક તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે તેમ જણાવી જિલ્લા કલેક્ટર શ્રી રવિશંકરે મંત્રી શ્રી આર.સી.ફળદુને માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ દરિયાકાંઠા વિસ્તારના ગામોમાંથી 2500 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમજ દરિયાથી ૫ કિલોમીટરની ત્રિજયામાં આવેલ વિસ્તારોમાં રહેતા સગર્ભા બહેનોને યાદી તૈયાર કરી સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે. ખેડૂતભાઈઓ તથા APMCના હોદ્દેદારોને ખુલ્લામાં રાખેલો પાક જણસ સલામત સ્થળે ખસેડવા સુચના આપવામાં આવેલ છે. દરિયાકાંઠે મીઠાના ઉદ્યોગોમાં કામ કરતા અગરીયાઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઓક્સિજનના વહનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જામનગરથી હાપા સુધી ગ્રીન કોરિડોરની રચના કરવામાં આવેલ છે. કોવિડ હોસ્પિટલો ખાતે ફાયર વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે. આરોગ્ય કેન્દ્રો ખાતે જનરેટરની વ્યવસ્થા તથા ઇમર્જન્સી કિટની વ્યવસ્થા કરવામાં આવી છે. એમબ્યુલન્સ, બોટ સહિતના રાહત અને બચાવ કામગીરી માટેના વાહનોની યાદી બનાવી સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.