ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીના મુક્તિધામમાં એક જ મહિનામાં 329 કોવિડ અને 103 નોર્મલ મૃતદેહોને અગ્નિસંસ્કાર - Corona virus cases in valsad

વલસાડ જિલ્લામાં એપ્રિલના એક જ મહિનામાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા વધી છે. જિલ્લામાં ફક્ત એક જ મુક્તિધામ છે. જેમાં 1લી એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં કુલ 432 મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં 329 કોવિડ મૃતદેહો અને 103 નોર્મલ મૃતદેહો છે. જો કે એ ઉપરાંત સમગ્ર જિલ્લામાં એક મહિનામાં કોવિડ અને નોન કોવિડ મળી અલગ અલગ સ્મશાન ગૃહના મળીને અંદાજિત 1200 જેટલા મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યાં છે.

વાપીના મુક્તિધામમાં એક જ મહિનામાં 329 કોવિડ અને 103 નોર્મલ મૃતદેહોને અગ્નિસંસ્કાર
વાપીના મુક્તિધામમાં એક જ મહિનામાં 329 કોવિડ અને 103 નોર્મલ મૃતદેહોને અગ્નિસંસ્કાર

By

Published : May 5, 2021, 9:06 PM IST

વલસાડ જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા વધી

વાપીના મુક્તિધામમાં 329 કોવિડ મૃતદેહો અને 103 નોર્મલ મૃતદેહોને અગ્નિસંસ્કાર

જિલ્લાના એકમાત્ર મુક્તિધામ માં અંદાજિત 1200 જેટલા મૃતદેહોના થયા અગ્નિસંસ્કાર

1186 દર્દીઓ જિલ્લાની અલગ અલગ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ

વાપી :- વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલ મુક્તિધામમાં એપ્રિલ મહિનાના 30 દિવસમાં કુલ 432 મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં 329 મૃતદેહો તો માત્ર કોવિડ મૃતદેહો હતાં. જિલ્લામાં એક તરફ કોરોનાએ હવે ગ્રામ્ય વિસ્તારોમાં તરખાટ મચાવ્યો છે. જેને કારણે હાલમાં પણ 1186 દર્દીઓ જિલ્લાની અલગ અલગ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. GIDC સંચાલિત મુક્તિધામ ખાતે કોરોના દર્દીઓને અગ્નિસંસ્કાર આપવાની માન્યતા મળી છે. જિલ્લાના અદ્યતન મુક્તિધામ ગણાતા આ મુક્તિધામ ખાતે હાલ સૌથી વધુ કોવિડ મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે. મુક્તિધામમાં 4 ગેસ આધારિત સગડીઓ છે. જેમાં કોરોનાની બીજી લહેર બાદ 1લી એપ્રિલ થી 30 એપ્રિલ સુધીમાં દૈનિક સરેરાશ 14 મૃતદેહો સાથે કુલ 432 મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવ્યો છે.

અન્ય વિસ્તારના દર્દીઓને પણ મુક્તિધામમાં અપાયો અગ્નિદાહ

વાપી મુક્તિધામ ખાતે અગ્નિસંસ્કાર અપાયેલા કુલ 432 મૃતદેહોમાંથી 329 કોવિડ મૃતદેહો હતાં. જ્યારે 103 નોર્મલ મૃતદેહો હતા. વલસાડ જિલ્લાની વિવિધ કોવિડ હોસ્પિટલમાં વાપી સહિત વલસાડ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના તેમજ દાદરા નગર હવેલી, દમણ, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દર્દીઓ પણ સારવાર લેવા આવતા હોય છે. એટલે તેમાંથી મૃત્યુ પામેલા દર્દીઓને વાપી મુક્તિધામ ખાતે અગ્નિસંસ્કાર આપવામાં આવે છે. મૃતદેહોને લઈને આવતી એમ્બ્યુલન્સની અહીં રોજ કતારો લાગે છે. કેટલાકે વેઇટિંગમાં 4 કલાકથી વધુ સમય રાહ જોવી પડે છે. મુક્તિધામ નો સ્ટાફ આ માટે 24 કલાક કાર્યરત રહે છે.

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો તરખાટ

જો કે કોરોના કહેર અંગે વલસાડ જિલ્લાની વાત કરીએ તો આ વખતે કોરોનાએ ગ્રામ્ય વિસ્તારમાં પણ તરખાટ મચાવ્યો છે. જિલ્લામાં કુલ 3765 પોઝિટિવ દર્દીઓમાંથી હાલ 1186 દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સંખ્યા વધારે છે. જિલ્લાના કુલ 6 તાલુકામાં વલસાડ તાલુકામાં સૌથી વધુ 1751 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 551 સારવાર હેઠળ છે. બીજા નંબરે વાપી તાલુકાના 653 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 105 સારવાર હેઠળ છે. જ્યારે તાલુકા પણ મોટાભાગે ગ્રામ્ય વિસ્તાર ધરાવતા પારડી, ઉમરગામ, ધરમપુર, કપરાડા તાલુકામાંથી કુલ 1397 પોઝિટિવ દર્દીઓમાંથી હાલ 630 એટલે કે 50 ટકા દર્દીઓ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના રિપોર્ટ મુજબ 289 દર્દીઓ મોતને ભેટ્યા છે. જો કે પહેલેથી સરકારી આંકડા અને સ્મશાનના અંકડામાં વિસંગતા આવતી રહી છે. એ મુજબ એપ્રિલ માસના મૃત્યુના કુલ સરકારી આંકડા અને સ્મશાનના અંકડામાં અનેકગણી વિસંગતતા છે.

જિલ્લામાં અંદાજિત 1000 જેટલા કોવિડ મૃતદેહોને અગ્નિસંસ્કાર અપાયા

વલસાડ જિલ્લામાં 1લી એપ્રિલે કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 1519 હતી. જેમાંથી માત્ર 108 દર્દીઓ જ સારવાર હેઠળ હતા. જ્યારે 4 મેં સુધીમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3765 થઈ છે. જ્યારે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1186 પર પહોંચી છે. જે બતાવે છે કે એક જ એક મહિનામાં વલસાડ જિલ્લામાં કોરોના જેટ ગતિએ આગળ વધ્યો છે. જેમાં વાપીના મુક્તિધામમાં 329, અતુલ સ્મશાન ગૃહમાં 400, પારડી મુક્તિધામમાં 150 સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારના સ્મશાનમાં અંદાજિત 1200થી વધુ લોકોને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. એ રીતે રીતે જિલ્લામાં અંદાજિત 1000 આસપાસ લોકોને કોરોનાએ પોતાનાં ખપ્પરમાં હોમી દીધા છે.

વેક્સિનના બીજા ડોઝમાં ઘટાડો

વલસાડ જિલ્લામાં કોરોના કેસમાં જેમ વધારો નોંધાયો છે. તેની સામે વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ પાંગળુ બન્યું છે. જિલ્લામાં તેજ ગતિએ શરૂ કરેલી વેક્સિનની કામગીરી હવે ઘટી ગઈ છે. વેક્સિનની અછત અને આરોગ્ય સ્ટાફની અછત તે માટે કારણભૂત છે. તો લોકોમાં વેક્સિનને લઈને અનેક માન્યતાઓ પ્રવર્તતી હોવાથી વેક્સીનેશન જોઈએ તેટલી ઝડપથી આગળ વધતું નથી.

જિલ્લામાં અત્યાર સુધીમાં 15322 હેલ્થકેર વર્કરે પહેલો ડોઝ લીધો છે. જેમાંથી 12287 HCW એ જ બીજો ડોઝ મુકાવ્યો છે. 20268 ફ્રન્ટલાઇન વર્કરોએ પ્રથમ ડોઝ લીધો છે. જયારે માત્ર 10558 FLW એ જ બીજો ડોઝ મુકાવ્યો છે. એજ રીતે 60થી વધુ ઉંમરના 91459 લોકોમાંથી 35703 લોકોનો જ બીજો ડોઝ પૂર્ણ થયો છે. 45 થી 60 વચ્ચેના 125735 લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. પંરતુ બીજો ડોઝ માંડ 24747 લોકોને મળ્યો છે.

ગ્રામ્ય વિસ્તારમાં કવોરેંટાઇન સેન્ટરના નામે વેઠ ઉતારી

એક તરફ જિલ્લામાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સામે પૂરતી હોસ્પિટલો નથી. ઓક્સિજન, વેન્ટિલેટર, ICU ની તંગી વચ્ચે વહીવટીતંત્રએ વિવિધ સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ સાથે મળી પાંચ મુખ્ય શહેર અને 400થી વધુ ગામોમાં કોવિડ સેન્ટર ઉભા કર્યા છે. જેમાં પણ વેઠ ઉતારી છે. સરેરાશ એક ગામની 1000ની વસ્તી સામે જે તે શાળામાં 10 કે 20 બેડ સાથેની સુવિધા કવોરંટાઇન માટે ઉભી કરી છે. જેમાં માત્ર ગાદલાં પાથરી મારુ ગામ કોરોના મુક્ત ગામના સૂત્રો પોકારતા બણગાં ફુકે છે.

ABOUT THE AUTHOR

...view details