ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપી જિલ્લાના એક મધ્યમવર્ગી પરિવારના દિકરાએ પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી GPSCની પરીક્ષા - GPSC ક્લાસ-2 અધિકારીની પરીક્ષા

તાપી જિલ્લાના એક 26 વર્ષીય યુવકે GPSC ક્લાસ-2 અધિકારીની પરીક્ષા પાસ (youth of Tapi passes GPSC exam) કરતાં તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. તેણે આ પરીક્ષા પ્રથમ પ્રયાસે જ ઉતીર્ણ કરી છે.

GPSC exam in the first attempt
GPSC exam in the first attempt

By

Published : Feb 5, 2022, 5:44 PM IST

તાપી: આજના આધુનિક યુગમાં દરેક પગલે માણસની કસોટી થાય છે. આ સમયે જે વ્યક્તિ ધૈર્ય અને લગનથી પોતાના ધ્યેય પાછળ મંડ્યા રહે છે તેને જ સફળતા મળે છે. આ વાક્યને તાપી જિલ્લાના એક ગરીબ આદિવાસી પરિવારના દિકરાએ સાર્થક કર્યું છે. રાજ્યમાં છેવાડાના જિલ્લા તાપીમાં સોનગઢ તાલુકાના મેઢા ગામના ખેડૂત પાંજીભાઇ ગામીત અને માતા મોતીલા ગામીતના 26 વર્ષિય દિકરા અલ્પેશકુમાર પાંજીભાઇ ગામીત આજે સમગ્ર યુવા વર્ગ માટે પ્રેરણારૂપ બન્યા છે. અલ્પેશકુમારે GPSC દ્વારા લેવાયેલી વાહન વ્યવહાર વિભાગની ઈન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ્સ, ક્લાસ-2ની સ્પર્ધાત્મક ભરતી પરીક્ષામાં (GPSC Class-2 Exam Tapi) પ્રથમ પ્રયાસમાં જ ઉત્તીર્ણ થયા છે.

તાપી જિલ્લાના એક મધ્યમવર્ગી પરિવારના દિકરાએ પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી GPSCની પરીક્ષા

આ પણ વાંચો:Vishwakarma Award 2021: 60 કરોડના ખર્ચે બનશે વિશ્વકર્મા ધામ, હશે આ સુવિધાઓ

ધોરણ 10માં 65 ટકા મેળવ્યા હતાં

અલ્પેશકુમારના પરિવારમાં (son of a middle class family from Tapi) માતાપિતા અને બે મોટી બહેનો છે. પરિવાર ખેતી દ્વારા ગુજરાન ચલાવે છે. તેમણે હિંદલાગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવી ગામમાં જ આવેલી ઉત્તર બુનિયાદી હિંદલા આશ્રમશાળામાં ધોરણ 8થી 10 પુરુ કર્યું છે. ધોરણ 10માં 65 ટકા મેળવ્યા હતાં. ઉચ્ચ્તર ભણતર માટે શાળામાં સુરતના દાતાશ્રી વી.કે.રવાણી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ભણતર માટે આર્થિક મદદ કરતા જેના પગલે ભાવનગરની પાલીતાણા સ્થિત સ્કૂલ જેકુરબેન કુંવરજી રવાણી હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 11માં પ્રવેશ મેળવ્યો હતો.

આ પણ વાંચો: Head Clerk Paper schedule : હેડ કલાર્ક વર્ગ 3 ની પરીક્ષાની તારીખ થઇ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

11-12 વિજ્ઞાન પ્રવાહ સાથે 60 ટકા સાથે પાસ કર્યું

ગરીબ પરિવાર હોવાથી દીકરો મોટો થતા ખેતીમાં મદદરૂપ થાય તે માટે માતાપિતા ઉચ્ચતર ભણતર માટે પાલીતાણા મોકલવા સહેજ પણ રાજી ન હતાં પરંતુ આશ્રમશાળાના શિક્ષકોએ તેમના માતાપિતાને સમજાવ્યા અને શિક્ષણના મહત્વ અને દિકરાના ઉજ્જવળ ભવિષ્ય અંગે સાચા ગુરુ બની માર્ગદર્શન આપ્યુ હતું. જેથી માતાપિતા તેને પાલીતાણા ભણતર માટે મુક્વા રાજી થયા હતાં. ભણવામાં હોશિયાર અલ્પેશકુમારે 11-12 વિજ્ઞાન પ્રવાહ સાથે 60 ટકા સાથે પાસ કર્યું અને અમદાવાદની એલ.ડી.કોલેજ ઓફ એન્જીનિયરીંગમાં સરકારી ક્વોટામાં ઓટોમોબાઇલમાં ડીગ્રી એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવ્યો હતો. આ દરમિયાન પણ ભણતરના ખર્ચ માટે ગામના માજી સરપંચ મેઢા જૂથ ગ્રામ પંચાયતના ધુળજી ગામીતની મદદથી આર્થિક સહાય મળતા પરિવારને થોડી રાહત મળી હતી.

પરીક્ષાને જ લક્ષ્ય સમજી તેની તૈયારીમાં જોતરાઇ ગયો

છેવાડાના અંતરિયાળ ગામમાં રહેતા આદિવાસી પરિવારનો દીકરો ગામથી બહાર નિકળી બહારની દુનિયા નિહાળી અવનવી બાબતો શિખ્યો. નવા મિત્રો બન્યા, ભવિષ્ય બનાવવા માટે કેટલી બધી તકો છે તે અંગે માર્ગદર્શન મળ્યા. આ સમયે તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાણ્યું. સરકારી નોકરી મેળવવા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા આ અંગે વર્ગો ચલાવવામાં આવે છે તે અંગે માહિતી મેળવી હતી. સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોની ફી ખુબ વધારે હોવાથી તે પરવડી શકે તેમ ન હતું. તેથી કોલેજના મિત્રો સાથે અમદાવાદમાં રૂમ ભાડે કરી પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. મિત્રો વર્ગોમાં જતા જ્યારે અલ્પેશકુમાર સરકારી લાઇબ્રેરીમાં જઇ જાતે જ પરીક્ષાની તૈયારી કરતો. 2019-20માં GPSC દ્વારા RTO ઓફિસર ક્લાસ-2 અને ક્લાસ-3ની સ્પર્ધાત્મક ભરતી બહાર પડી હતી. જેમાં ફોર્મ ભરી આ પરીક્ષાને જ લક્ષ્ય સમજી તેની તૈયારીમાં (GPSC exam in the first attempt) જોતરાઇ ગયો હતો.

પુસ્તકો અને પોતે બનાવેલી નોટ્સને આધારે જ પરીક્ષાની તૈયારીઓ ચાલુ રાખી

વૈશ્વિક મહામારી કોરોનાના પગલે ભરતી પ્રક્રિયા લંબાઇ અને અમદાવાદમાં રહેવાનું બંધ થતા ઘર પાછા ફર્યા હતાં. પરંતુ પરીક્ષાના લક્ષ્યને ભુલ્યા નહીં અને કોરોનાના કારણે મળેલા વધારાના સમયને પરીક્ષા માટે ઉપયોગ કરવા લાગ્યા. રોજ લગભગ 12 કલાકથી વધુનું વાંચનનો નિયમ બનાવ્યો હતો. એ સિવાય જો કોઇ વખત માઇન્ડ ફ્રેશ કરવા અન્ય કામ કરવું હોય તો પોતાની આશ્રમ શાળામાં બાળકોને અંગ્રેજી ગ્રામર શિખવવા જતો અને ખેતીમાં નાની મોટી મદદ પણ માતાપિતાને કરતો હતો. સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો પણ ખુબ મોંધા હોવાથી પોતાની કોલેજ દરમિયાનના પુસ્તકો અને પોતે બનાવેલી નોટ્સને આધારે જ પરીક્ષાની તૈયારીઓ ચાલુ રાખી હતી.

યુ-ટ્યૂબના વીડિયો જોઇ પરીક્ષાની વધારાની તૈયારી કરતો

આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન છે પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કઇ દિશામાં કરવુ તે વ્યક્તિગત હોય છે. ત્યારે અલ્પેશકુમાર મોબાઇલ દ્વારા યુ-ટ્યૂબના વીડિયો જોઇ પરીક્ષાની વધારાની તૈયારી કરતો હતો. ક્યારેક ઘરમાં લાઇટ જતી તો ક્યારેક મોબાઇલ કનેક્ટીવિટી ન મળતી તો ક્યારેક વડી ઇન્ટરનેટ રીચાર્જના પૈસા ન હતા. આવી અનેક મુશ્કેલીઓમાં પણ પોતાને મક્ક્મ રાખી વડિલો અને સગાસંબંધી પાસે ઉછીના પૈસા લઇ પરીક્ષા પાસ કરવાને ધગશ જાળવી રાખી. અંતે 2021માં પરીક્ષા લેવાઇ અને ડિસેમ્બર-2021માં ક્લાસ-2નું ઇન્ટરવ્યુ લેવાયું હતું. અલ્પેશકુમારે આ પહેલા કોઇ સ્પર્ધાત્મક પરીક્ષા આપી નથી. અત્રે રસપ્રદ બાબત એ છે કે આ તેમના જીવનની પ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા અને પ્રથમ ઇન્ટરવ્યુ હતું. વર્ગ-2ના મૌખિક ઇન્ટરવ્યુમાં ST કેટેગરીમાં સૌથી વધુ 16 માર્ક મેળવ્યા હતાં.

ક્લાસ-3માં પાસ થતા પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઇ

ડિસેમ્બર માસમાં પ્રથમ આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ-3નું પરીણામ જાહેર થયું હતું. અલ્પેશભાઇ કૂલ-139.02 ગુણ મેળવી ક્લાસ-3માં પાસ થયા હતાં. ક્લાસ-3માં પાસ થતા પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી. સમગ્ર પરિસ્થિતીમાં પોતાના માર્ગદર્શક એવા આશ્રમશાળાના શિક્ષકોને પરિણામ અંગે જાણ કરી મીઠાઇ સાથે આશીર્વાદ લેવા પહોંચ્યા ત્યારે જ ક્લાસ-2નું પરિણામ જાહેર થયું હતું. તેમાં પોતે કૂલ- 197.35 માર્કે ટેક્નિકલ પરીક્ષામાં અને ઇન્ટરવ્યુમાં 25માંથી 16 માર્ક મેળવી કુલ- 213.35 માર્કસ મેળવી ST કેટેગરીમાં ક્લાસ-2માં પાસ જાહેર થતા જ તેમની સિદ્ધિની યશકલગીમાં વધારો થતા અલ્પેશે બેવડી ખુશી વ્યક્ત કરી હતી.

અલ્પેશકુમારે માહિતી વિભાગ –તાપીની ટીમ સાથે વાતચીત કરી

આમ એક સામાન્ય પરિવારનો છોકરો આજે જાત મહેનતે અને આત્મવિશ્વાસ અને અથાગ મહેનતના પરિણામે સરકારી નોકરી મેળવવા હકદાર બની સમગ્ર યુવા વર્ગ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે. માહિતી વિભાગ –તાપીની ટીમ સાથે વાતચીતમાં પોતાના પ્રતિભાવ રજૂ કરતા જણાવ્યુ હતું કે, “દરેક વ્યક્તિએ કોઇ પણ એક જ ધ્યેય નક્કિ કરીને તેને જ મેળવવા ઝઝૂમવું જોઇએ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઘણા મિત્રો એક સાથે અને ઘણીબધી પરીક્ષાની તૈયારી કરતા હોય છે. જેના કારણે એક સાથે ઘણા વિષયો વાંચવા પડે છે. જેના કારણે લક્ષ્ય ખોરવાઇ જાય છે. જો એક જ પરીક્ષાની તૈયારી કરશો તો તેને લગતા અમુક જ વિષયો અસરકારક રીતે વાંચન કરી શકાશે અને રીવિઝન પણ સરળ રહેશે.”

અલ્પેશકુમાર સમગ્ર તાપી જિલ્લા સહિત યુવાશક્તિ માટે રોલ મોડેલ બન્યા

પરીક્ષામાં પાસ થવા અંગે માતા-પિતા સાથે વાતચિત કરતા તેમણે દિકરાને સરકારી નોકરી મળી જતા તેનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તે માટે ખુબ જ ખુશી વ્યક્ત કરી હતી. આજે અલ્પેશકુમાર સમગ્ર તાપી જિલ્લા સહિત યુવાશક્તિ માટે રોલ મોડેલ બન્યા છે. તેઓની સફળતા માટે હિંદલા આશ્રમશાળા પરિવાર, મેઢા ગામ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details