સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકૂઈ ગામના નિવૃત્ત શિક્ષક છોટુભાઈ ખુશાલભાઈ પટેલ 2018ના વર્ષમાં શિક્ષકની સેવામાંથી નિવૃત્ત થયા હતા. ત્યારબાદ પર્યાવરણની જાળવણી માટે શિક્ષણ પ્રેમી છોટુભાઈએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી જતન કરવાની પ્રેરણા પુરી પાડી છે. છોટુભાઈ પટેલે મહુવા તાલુકાની 137 જેટલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને આંબાની કલમો આપી બાળકોને પર્યાવરણની સુરક્ષા કરવા માટે સલાહ આપી છે.
નિવૃત શિક્ષકે 10 હજાર આંબાની કલમનું વિનામુલ્યે કર્યુ વિતરણ માનવીનાં અને સમગ્ર જીવસૃષ્ટિનાં સંરક્ષણ માટે પર્યાવરણનું સંરક્ષણ જરૂરી છે. જ્યારે સ્કુલમાં બાળકોને છોટુભાઈ જ્યારે અભ્યાસ કરાવતા ત્યારે વિજ્ઞાન પ્રદર્શનમાં એક સમયે ધુમાડાના શુધ્ધિકરણનો પ્રોજેકટ પ્રદર્શિત કર્યો હતો જે નેશનલ કક્ષાએ પહોંચ્યો હતો. ધરતીમાતા વૃક્ષોથી આચ્છાદિત થાય તો હવાનું શુધ્ધિકરણ ઝડપથી થાય. છોટુભાઈએ કહ્યું કે, પર્યાવરણના જતન માટે આપણે પણ કંઈક કરવું જોઈએ તે આશયથી તાલુકાની દરેક શાળામાં પોતે જાતે મજુરો સાથે ટેમ્પો લઈને વિતરણનું ભગીરથ કાર્ય કર્યું છે. સામાન્ય રીતે એક આંબાની કલમ 80 થી 100 રૂપીયાના ભાવે મળે છે, પરંતુ બાળકોને વિનામૂલ્યે આપીને મિશાલ પુરી પાડી છે.
ફેબ્રુઆરીમાં શિક્ષક છોટુભાઈએ વાંસદા તાલુકાના વણારસી ગામેથી કલમ લાવીને ઘરની પાછળના વાડામાં બેડ બનાવીને રોપાણ કર્યું હતું. હાલ ચોમાસાનો સમય હોવાથી કલમથી વૃધ્ધિ સારી રીતે થઈ શકે તે માટે વિતરણ કરવામાં આવ્યું છે. છોટુભાઈ કહે છે કે, સરકારી સ્કુલોમાં મોટાભાગે હળપતિ, નાયકા તથા અન્ય આદિજાતિ પરિવારના ગરીબ બાળકો અભ્યાસ કરે છે. જેમાંથી મોટા ભાગના પરિવારો જમીન વિહોણા અને ખેતમજુર તરીકે કાર્ય કરે છે. જેથી આ ગરીબ પરિવારના નાના ભુલકાઓ આંબાની કલમ ઘરે કે વાડામાં વાવીને ચાર વર્ષ બાદ મીઠી મધુર કેસર કેરીની સોડમ ઘર બેઠા માણી શકશે. શિક્ષણ કાર્યમાં ધગશના કારણે 2011 માં છોટુભાઈને ‘ઓલ ઈન્ડિયા બેસ્ટ શિક્ષક’નો એવોર્ડ, 2014માં મોરારીબાપુના હસ્તે ‘ચિત્રકુટ એવોર્ડ’ અને 2018માં કોલ્હાપુર ખાતે ‘રાષ્ટ્રીય શિક્ષક ભુષણ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે.
નિવૃત શિક્ષકે 10 હજાર આંબાની કલમનું વિનામુલ્યે કર્યુ વિતરણ મહુવા તાલુકાની બુધલેશ્વર પ્રાથમિક શાળાથી આંબાની કલમ વિતરણ કરવાનો પ્રારંભ કર્યો ત્યારે શાળાના મુખ્ય શિક્ષક પ્રફુલ્લ પટેલ, મહુવાના રાઉન્ડ ફોરેસ્ટર રાજેશ નકુમ તથા અન્ય શિક્ષકોએ પણ આ સેવા કાર્યને બિરદાવી હતી. બુધલેશ્વર શાળામાં આંબાની કલમ મળવાની ખુશી વ્યકત કરતી ધો.7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ધ્રુવીકુમારી પટેલે જણાવ્યું કે, પર્યાવરણના રક્ષણની સાથે ભવિષ્યમાં ઘર બેઠા કેરી પણ ખાઈ શકીશું.