તાપી :એકવીસમી સદી ટેક્નોલોજીનો યુગ છે, પરંતુ ખેતીક્ષેત્રે હરણફાળ દોડવાની રેસમાં આપણે રસાયણ યુક્ત ખેતી તરફ વળ્યા અને ઝેર યુક્ત આહાર આરોગતા આપણે આપણા જ સ્વાસ્થ્ય સાથે ચેડાં કર્યા અને વિવિધ જીવલેણ રોગોને આમંત્રિત કર્યા. હવે આ અંગે મોડે મોડે સભાનતા આવી રહી છે અને સરકારની કટિબદ્ધતાથી અને પ્રચાર પ્રસારથી લોગ જાગૃતતા આવતા હવે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લાના ખેડૂતે ઓર્ગેનિક રીતે ભીંડાની ખેતી કરી મહિને હજારો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
ભીંડાની ખેતીમાં સારો નફો : તાપી જિલ્લામાં હવે ખેડૂતો ધીમે ધીમે સંબંધિત વિભાગના માર્ગદર્શન હેઠળ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ભીંડાનો હબ ગણાતા વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢના ખેડૂતો હવે ભીંડાની ખેતી ઓર્ગેનિક રીતે કરીને જબરદસ્ત નફો મેળવી રહ્યા છે. ભીંડા જેવા શાકભાજી પકવતા ખેડૂતો હવે રાસાયણિક ખાતરોની પદ્ધતિઓ છોડીને પરંપરાગત ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી સારો એવો નફો કમાઈ રહ્યા છે.
ધરતીપુત્રને મૂંઝવતા પ્રશ્નો :ખેતી પર સંપૂર્ણ નિર્ભર એવા તાપી જિલ્લાના ખેડૂતો ખેતીક્ષેત્રે અવનવી ટેકનોલોજી તેમજ પદ્ધતિઓનો ઉપયોગ કરતા આવ્યા છે. તે માટે ખેતીવાડી, આત્મા, બાગાયત વિભાગ સહિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તેમને તાલીમ સહિત ધરતીપુત્રને મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારે તાપી જિલ્લાના ઉખલદા ગામમાં રહેતા ખેડૂત મહેશભાઈએ ભીંડાની ખેતીમાં ઓર્ગેનિક રીત અપનાવીને ભીંડા માંથી સારી એવી ઉપજ મેળવી છે. તેજ રીતે નીતાબેન પણ ભીંડા પકવીને પરિવારજનોને મદદરૂપ થઈ રહ્યા છે.