તાપી : જિલ્લાના ડોલવણ તાલુકાના ગાંગપુર ગામની સિમમાંથી ગત 27મી એપ્રિલના રોજ એક અજાણી યુવતીની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો. પોલીસ માટે પડકારરૂપ આ હત્યાના બનાવ સામે આવ્યો હતો. ત્યારે 20 દિવસ બાદ તાપી પોલીસની મહેનત રંગ લાવી અને હત્યા મૃતકના પતિએ જ કરી હોવાનું પોલીસની સઘન તપાસમાં બહાર આવ્યું છે.
શું હતો સમગ્ર મામલો : ગાંગપુર ગામની સીમમાં અજાણી યુવતીની હત્યાનો સનસનીખેજ બનાવ બન્યો હતો. ડોલવણ તાલુકાના ગાંગપુર ગામે આવેલી દૂધ ડેરી નજીક, કચરાના ખાડામાં એક યુવતીની માથાના ભાગે ગંભીર ઇજા કરી હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો. આ અંગે ડોલવણ પોલીસને જાણ કરાતા યુવતીની પહેલા ઓળખ પરેડ કરવામાં આવી હતી, પરંતુ અજાણી આ યુવતી કોણ છે અને તેની હત્યા કોણે અને ક્યાં કારણોસર કરી છે? જેવા અનેક સવાલો સાથે તાપી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કામગીરી શરૂ કરી હતી.
પોલીસ હત્યારા સુધી કેવી રીતે પહોંચી : LCB, SOG તેમજ ડોલવણ પોલીસ એમ અલગ અલગ વિભાગની ફૂલ 14 જેટલી ટીમો બનાવી CCTV, બાતમીદાર તેમજ આજુબાજુના પોલીસ સ્ટેશન વિસ્તારના ફૂલ 140 જેટલા ગામડાઓમાં શેરડી અને કેળાના ખેતરોમાં કામ કરતા મજૂરો, પડાવમાં રહેતા મજૂરોની પૂછપરછ બાદ 20 દિન બાદ પોલીસને આંશિક કડી મળી આવી હતી. તે જોડતા જોડતા પોલીસ હત્યારા સુધી પહોંચવામાં સફળ મળી હતી.
આ ચકચારી અને પોલીસને પડકારજનક યુવતીની હત્યાની ઘટનાને અંજામ ખુદ તેના પતિએ આપ્યો હતો. મૂળ ઉચ્છલ તાલુકાનું આ દંપતી છૂટક મજુરું કરીને જીવન વિતાવ્યું હતું. હત્યારો પતિ સતીશ કાઠુંડ પત્નીના ચારિત્ર પર શંકા રાખતો હોવાને લઈને પૂર્વનિયોજિત કાવતરું રચીને પત્નીને મજૂરી કામ અર્થે બુહારી જવાનું કહીને લઈ આવી પત્નીનું કાસળ કાઢી નાખ્યું હતું. - રાહુલ પટેલ (SP)