200થી વધુ ડ્રાઈવર્સ દ્વારા રેલી કાઢવામાં આવી તાપીઃ કેન્દ્ર સરકારે હિટ એન્ડ રન કેસમાં સજાની નવી જોગવાઈ કરી છે. જેનો વિરોધ સમગ્ર રાજ્યમાં ડ્રાઈવર્સ કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન અનેક ઠેકાણે ઉગ્ર પણ બની ગયાના સમાચાર આવ્યા છે. આજે તાપી જિલ્લાના ડ્રાઈવર્સ મોટી સંખ્યામાં એક્ઠા થયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
રેલીમાં બેનર પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો રેલી કાઢવામાં આવીઃ તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ જેવા અનેક વિસ્તારોમાંથી 200થી વધુ ડ્રાઈવર્સ એક્ઠા થયા હતા. આ ડ્રાઈવર્સ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં બેનર પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. સરકાર આ કાળી સજા પરત લે તેવી માંગણી પોકારવામાં આવી હતી. વ્યારાના પાનવાડીથી રેલી નીકળીને જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. જેમાં ડ્રાઈવર્સ એસોસિયેશનના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સરકાર બનતી ત્વરાએ આ અકસ્માતના ગુનાની સજાની નવી જોગવાઈ પરત લે તેવી માંગણી કરવામાં આવી હતી. જો સમયસર આ સમસ્યા નહિ ઉકેલાય તો મોટા પાયે ચક્કા જામ કરી દેવામાં આવશે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ડ્રાઈવર રાત દિવસ મહેનત કરે ત્યારે માંડ 10થી 15 હજાર રુપિયા કમાય છે. આવામાં અકસ્માત બાદ તેને 7 લાખ રુપિયા અને 10 વર્ષની કેદની સજા ગેરવ્યાજબી છે. ડ્રાયવર કોઈનો દુશ્મન હોતો નથી, જબરદસ્તીથી કચડી મારવાનો ડ્રાઈવરનો ક્યારેય ઈરાદો હોતો નથી. મોટા ઘરના નબીરાઓ બેફામ ડ્રાઈવિંગ કરે અને તેનો દંડ ડ્રાઈવર ભોગવે તે અમે ચલાવી લઈશું નહીં...યુસુફ ગામીત(આગેવાન, આદિવાસી સમાજ, તાપી)
ભારત સરકારે જે રીતે ખેડૂતો પર કાળા કાયદા થોપ્યા હતા તે રીતે આજે ડ્રાઈવર્સ પર પણ કાળા કાયદા થોપવામાં આવી રહ્યા છે. તેનો ડ્રાઈવર્સ યુનિયન વિરોધ કરે છે. અમે તાપી જિલ્લા કલેક્ટરને આ કાયદા પરત ખેંચવા આવેદન પાઠવ્યું છે. અમે રાષ્ટ્રપતિને પણ પત્ર લખ્યો છે. અમારી માંગ નહિ સંતોષાય તો અમે આવનારા દિવસોમાં રસ્તાઓ બ્લોક કરી દઈશું...હેમંત ગામીત(ડ્રાઈવર, તાપી)
- Surat News: ડુમસમાં ડ્રાઈવર્સનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, પોલીસ પર હુમલો અને સિટી બસ પર પથ્થર મારો કર્યો
- Truckers protest: નવા કાયદા વિરૂદ્ધ ટ્રાન્સપોર્ટરોનો ઉગ્ર વિરોધ, પાંચ રાજ્યોમાં સૌથી વધુ અસર