ઉકાઈ સિંચાઈ ફેડરેશન દ્વારા આયોજિત સત્યનારાયણ ભગવાનની કથા અને વરુણદેવને પૂજા અર્ચના કરી હતી. પ્રધાન ઈશ્વર પરમારે પૂજા અર્ચના કર્યા બાદ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. હાલમાં સમગ્ર રાજ્યની જેમ તાપી જિલ્લામાં પણ વરસાદ ખેંચાતા ઉકાઈ સિંચાઈ ફેડરેશન દ્વારા વરુણદેવને રીઝવવા માટે પૂંજાનું આયોજન કર્યું હતું. જેમાં પ્રધાન ઈશ્વર પરમારે સંપૂર્ણ શ્રદ્ધાભાવથી સત્યનારાયણ દેવની કથા સાંભળી વરૂણદેવની પૂજા અર્ચના કરી હતી.
વરસાદને રિઝવવા પ્રધાન ઇશ્વર પરમારે કરી પૂજા-અર્ચના અને ત્યાર બાદ...
તાપીઃ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમારે ઉકાઈ ખાતે સિંચાઈ ફેડરેશન પરિવાર દ્વારા આયોજિત સત્યનારાયણ ભગવાનની કથામાં ઉપસ્થિત રહી વરૂણ દેવની પૂજા અર્ચના કરી સારા વરસાદ માટે પ્રાર્થના કરી હતી.
પૂજા પહેલા પ્રધાને દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈ જળાશયની મુલાકાત લઈ સંગ્રહીત પાણીની સપાટી સહિત ડેમની ટેક્નિકલ જાણકારી મેળવી હતી. આ પ્રસંગે ડેમના અધિક્ષક ઈજનેર આર.એમ.પટેલે ડેમનો કેચમેન્ટ વિસ્તાર, પાણી છોડવાનો ગેટ, ડાઉન્સ્ટ્રીમ, લઘુતમ મહત્તમ પાણીના લેવલની જાળવણી, વીજ ઉત્પાદન પ્રક્રિયા સહિત વિવિધ ટેક્નિકલ પાસાઓની જાણકારી ઈશ્વર પરમારને આપી હતી. તેમણે હાલમાં ડેમમાં રહેલા જળસંગ્રહની જાણકારી આપતા જણાવ્યું હતું કે ઘણા વર્ષો બાદ પ્રથમ વાર ડેમમાં પાણીનું સ્તર 278 ફૂટ થયું છે અને કેટલીક જગ્યાએ સમારકામ કરવામાં આવી રહ્યું હોવાની બાબતે પણ મંત્રીને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે કાર્યપાલ ઈજનેર પી.જી.વસાવા, સોનગઢ મામલતદાર ડી.કે.વસાવા, સિંચાઈ ફેડરેશન પરિવારના સભ્યો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.