બારડોલીમાં નવરાત્રી પર્વ દરમિયાન સ્થાનિક નગરજનોમાં જાગૃતિ જોવા મળી હતી. બુધવારે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટે અપીલ કરાઇ હતી. બારડોલીના ગાંધી રોડ ઉપર આવેલા બીનીતા પાર્કમાં ગરબાના આયોજનમાં આ જાગૃતિ જોવા મળી હતી.
તાપીમાં ખેલૈયાઓએ પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લીધો - નરેન્દ્ર મોદી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત
તાપી : માં આદ્યશક્તિના નવલા નોરતા ચાલી રહ્યા છે. બારડોલીના બીનીતા પાર્ક ખાતે ગરબાના આયોજનમાં જનજાગૃતિ જોવા મળી હતી. ખેલૈયાઓએ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને સમર્થન આપી પ્લાસ્ટિક મુક્તિ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
એક બાજુ નવરાત્રીનું હવે જાણે વ્યાપારીકરણ થઈ ગયું હોય તેમ મોંઘા આયોજનો થઈ રહ્યા છે. અને પ્રાચીન તેમજ શેરી ગરબા ભુલાતાં જાય છે. ત્યારે આવા સમયે ખર્ચની બચત , સલામતી સાથે પ્રાચીન વારસો જળવાઈ રહે તે માટે આ બીનીતા પાર્કના રહીશો દ્વારા પ્રાચીન ઢબે ગવાતા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવલા નોરતાના દિવસો વીતી રહ્યા છે. ત્યારે ઠેકઠેકાણે ગરબાના આયોજન નજરે પડે છે. ત્યારે ખાસ કરીને બારડોલી પંથકમાં મોટા આયોજન બાજુ પર મૂકી સ્થાનિકો પોતાના ગામ , ફળિયા કે સોસાયટીમાં જ ગરબા રમવાનું પસંદ કરી રહ્યા છે. અને ગરબાની સાથે લોકોમાં જાગૃતિ આવતા લોકો આ કાર્યને બિરદાવી પણ રહ્યા છે.