તાપી : જિલ્લામાં આરોગ્ય વિભાગમાં સ્ટાફ નર્સ, હેલ્થ વર્કર, ડેટા એન્ટ્રી ઓપરેટર, ડ્રાઈવર જેવી પોસ્ટ પર ફરજ બજાવતા 400 જેટલા કર્મીઓને બે માસ સુધી તેનો નીકળતો પગાર સંબંધિત એજન્સી દ્વારા નહીં ચૂકવાતા આ કર્મીઓની હાલત કફોડી બની હતી. તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. જે બાબતે આરોગ્ય વિભાગ ને ધ્યાને આવતા તુરંત કાર્યવાહી કરી ગણતરીના દિવસોમાં આ કર્મચારીઓના ખાતામાં તેમનો નીકળતો પગાર ચૂકવવાની કાર્યવાહી હાથ ધરી છે.
કયા કારણોસર તાપી જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પગારથી રહ્યા વંચીત
તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગમાં આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા 400 જેટલા કર્મચારીઓને એજન્સીના પાપે 2 માસ વિતવા છતાં પગાર નહિ મળતા કર્મચારીઓની પરિસ્થિતિ કફોડી બની ગઈ છે. આ અંગેની વારંવારની એજન્સીને કરેલ રજૂઆત પોકળ સાબિત થઈ હતી.
Published : Jan 4, 2024, 4:12 PM IST
જિલ્લામાં આરોગ્ય વિભાગમાં જે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે, જેમનો નવેમ્બર મહિનાના પગાર આઉટસોર્સ એજન્સી દ્વારા જે પગાર થવાનો હતો તે ટેકનિકલ અને વહીવટી કારણો સર થયો નથી. તેનું મુખ્ય કારણ ઓક્ટોબર સુધી જે આઉટસોર્સ એજન્સી હતી તે બીજી હતી જે નવું જિલ્લા પંચાયતનું ટેન્ડર પાસ થયા બાદ નવેમ્બર માસથી જ નવી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે જેનું એસ્ટ્રો એકાઉન્ટની કાર્યવાહી ચાલી રહી છે. હાલમાં બિલ પાસ થઈને ચેક અને તમામ કાર્યો પૂર્ણ થઈ ગયું છે અને ગણતરીના દિવસોમાં તેમના પગાર જમા થઈ જશે અને પગાર નિયમિત થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. - ભાર્ગવ દવે, ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી
કર્મચારીઓને પગાર નથી મળ્યો :નોકરી માંથી કાઢી મૂકવાના ભયથી આઉટસોર્સ ના કર્મચારીઓ પોતાના હક માટે પણ મીડિયા સમક્ષ આવવાથી પીછે હટ કરી રહ્યા છે. ત્યારે આઉટ સોર્સ કર્મચારીઓ માટે ખાસ કોઈ કાયદાકીય રક્ષણ ન મળતા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોય તે દેખાઈ આવે છે. પગાર ન મળતા કર્મચારીઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉધાર લેવાની ફરજ પડી છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર એજન્સી સામે પગલાં ભરશે કે કેમ તે જોવાનું રહ્યું.