- વ્યારાના બિલ્ડરની જાહેરમાં હત્યા
- હત્યારાઓએ બિલ્ડરના વાહનને ટક્કર મારી તેને પાડી દીધો હતો
- 14મેએ વૃંદાવાડી હનુમાનજીના મંદિર પાસે બની ઘટના
તાપીઃ જિલ્લામાં આવેલા વ્યારામાં એક બિલ્ડરની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. જોકે, બિલ્ડરને બચાવવા વચ્ચે પડેલા અન્ય 2 લોકોને પણ હત્યારાઓએ ઈજા પહોંચાડી હતી.
બિલ્ડરના વાહનને ટક્કર મારી તેને પાડી દેવાયો હતો
આ અંગે મળતી વિગત અનુસાર, મૃતક વ્યારામાં 14મેએ રાત્રે 8 વાગ્યે વૃંદાવાડી હનુમાનજીના મંદિર પાસે તરબૂચવાળાની દુકાન આગળ ઉભા હતા. તે સમયે એક કારમાં આવેલા 4 હત્યારાઓએ બિલ્ડરની ગાડીને ટક્કર મારી બિલ્ડરને રોડ ઉપર પાડી દીધો હતો. એકાએક થયેલી આ ઘટનામાં કંઈક સમજાય તે પહેલા કારમાંથી 4 શખ્સ તલવાર-ચાકુ લઈને બિલ્ડર પર 15 ઘા કર્યા હતા.
બિલ્ડરને બચાવવા આવેલા 2 વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત
બિલ્ડર પર હુમલો થયો તે વખતે ત્યાં ઉભેલા 2 વ્યક્તિ ગણેશભાઈ અને દિગંબરભાઈ બિલ્ડરને બચાવવા વચ્ચે પડ્યા હતા, પરંતુ હત્યારાઓએ તેમને પણ ઈજા પહોંચાડી હતી. આ સમગ્ર ઘટના કેટલાક સ્થાનિકોએ પણ જોઈ હતી અને CCTV કેમરામાં પણ કેદ થઈ હતી. જોકે ત્યારબાદ કાર નંબર GJ 05 JP 2445 બારડોલીના મઢી-સૂરાલી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય કેનાલમાંથી મળી આવી હતી. તમામ આરોપીઓની ઉંમર 20થી 35 વર્ષની હોવાનું મનાય છે.
આ પણ વાંચોઃતાપી: નામી બિલ્ડર હત્યામાં વપરાયેલી કાર મળી આવી, હત્યારાઓ પોલીસથી દૂર
હત્યારાઓએ ઉપયોગમાં લીધેલી કારના માલિકનું કોરોનાથી મોત થયું હતું
બારડોલીના મઢી-સૂરાલી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય કેનાલમાંથી મળી આવેલી કાર મામલે તપાસ કરતા કારના માલિકનું થોડા સમય પહેલા જ કોરોનામાં મોત નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. જોકે, કાર કોણે અને કોને કઈ રીતે વેચી તે અંગે કાર માલિકના પરિવારજનો પાસેથી કોઈ પણ માહિતી મળી શકી નથી.
આ પણ વાંચોઃતાપી: કુકરમુંડા તાલુકાના ચીખલીપાડા ગામે પતિએ પત્નિની કરી હત્યા
ઘટનાને 46 કલાકથી વધુ સમય વીતી ગયો તો પોલીસે કહ્યું તપાસ ચાલુ છે
તાપી પોલીસે CCTV ફૂટેજ, જરૂરી નિવેદનો મેળવી ચાર અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. જોકે, જાહેરમાં બનેલી આ ઘટનાને 48 કલાકથી વધુ સમય વીતી ગયો છે તેમ છતાં હત્યારાઓ પોલીસની પકડથી દૂર છે.
ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ
ઘટનાના CCTV ફૂટેજના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ચાર જેટલા શખ્સોના હાથમાં ચાકુ-તલવાર જેવા જીવલેણ હથિયાર હતા. એક વ્યક્તિ રોડ ઉપર પડ્યો છે. એક કારે મોપેડને ટક્કર મારી છે. બાજુમાં તરબુચની એક દુકાન છે અને કેટલાક ઇસમો નજરે પડી રહ્યા છે. સૂત્રો અનુસાર, આ CCTV ફૂટેજ બિલ્ડર નીશિષ શાહની હત્યાના છે, પરંતુ આ બાબતે પોલીસને પૂછતા પોલીસે જવાબ આપવાનું ટાળ્યું હતું. હાલ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. જોકે, વાયરલ ફોટાનું ETV Bharat પુષ્ટી કરતું નથી.