પ્રકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું તાપી: આ વર્ષે વરસાદે માઝા મૂકી છે. ડુંગરાળ પ્રદેશ અને જંગલોમાં વરસાદને લીધે હરિયાળીની લીલી ચાદર છવાઈ ગઈ છે. પર્વતો પર હરિયાળીની સાથે નાના મોટા ધોધ પણ પુનઃ જીવિત થઈ ગયા છે. આવો જ એક ધોધ એટલે તાપી જિલ્લાનો રાજારાણી ધોધ. વરસાદી માહોલ માં અંદાજે 130 ફૂટ ઊંચેથી પડતો આ ધોધ સક્રિય થતાં અહીંનું પ્રાકૃતિક સૌન્દર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે ત્યારે એડવેન્ચર સાથે પ્રકૃતિ સૌંદર્યના શોખીનો તેમજ પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે.
ધોધનું લોકેશનઃ તાપી જિલ્લાના વ્યારાના સરહદી ગામ ઢોંગી આંબાથી 4 કિમી જેટલું પગપાળે ચાલીને રાજારાણી ધોધ સુધી પહોંચી શકાય છે. આ માર્ગમાં બે નદીમાંથી પણ પસાર થવું પડે છે. જે સહેલાણીઓ માટે એક રોમાંચક અનુભવ છે.રસ્તામાં ખીલેલા ફૂલો તથા અલગ અલગ પ્રકારના વૃક્ષો સાથે નાના મોટા જીવ જંતુઓ અને પક્ષીઓનો કલરવ અનોખી કુદરતી અનુભૂતિ કરાવે છે. રાજારાણી ધોધ સુધી જવા 4 કિમી જંગલનું ટ્રેકિંગ લોકોને ખૂબ જ આકર્ષે છે. દૂર દૂર થી લોકો આ ધોધને જોવા આવી રહ્યા છે. માર્ગમાં અવનવી જીવસૃષ્ટિ પણ જોવા મળી રહે છે.
રાજારાણી ધોધ સુધી આવવા 4 કિમી સુધી પગપાળા ચાલવું પડે છે અને રસ્તો ન હોવાથી સેહલાણીઓને મુશ્કેલી પણ પડે છે અને જો ધોધ સુધી પહોંચવા માટે રસ્તો કરી આપવામાં આવે તો સ્થાનિકો માટે રોજગારની સગવડ થઈ શકે તેમ છે...ભીખુભાઈ ગામીત (સ્થાનિક આગેવાન, રાણીઆંબા ગામ)
કેમ પડ્યું રાજારાણી નામઃ રાજારાણી ધોધ એવો છે કે જ્યાં રાજાના ધોધ પરથી રાણી ધોધ દેખાય છે અને રાણીના ધોધ પરથી રાજાનો ધોધ જોવા મળે છે. સુરક્ષા સંદર્ભે હાલ કોઈ વ્યવસ્થા ન હોવાથી અહીંનો પ્રવાસ અને પર્યટન અનેક જોખમોથી ભરેલા છે, પરંતુ સાહસીક પ્રવાસીઓ રાત્રે કેમ્પફાયર અને કેમ્પેનિંગની મજા પણ માણતા પણ જોવા મળી રહ્યા છે.
અન ડિસ્કવર્ડ પ્લેસઃ ગુજરાતીઓના લોહીમાં સાહસ વણાયેલું છે અને વીકેન્ડમાં રોમાંચ માટે નીકળી પડતા ગુજરાતીઓની સંખ્યા કુદકેને ભુસકે વધી રહી છે. અન ડિસ્કવર્ડ પ્લેસને એક્સપ્લોર કરવામાં ગુજરાતીઓ પાછા પડતા નથી. તેમના માટે આ તાપી જિલ્લામાં આવેલો રાજારાણી ધોધ રોમાંચ અને સાહસનું નવું સરનામું અને ફેવરિટ ડેસ્ટિનેશન બની શકે તેમ છે.
- નર્મદામાં કુદરતી સૌંદર્ય સાથે જંગલ સફારી પાર્કમાં વિદેશી પશુપક્ષીઓ બન્યું આકર્ષણનું કેન્દ્ર
- સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં પ્રવાસીઓનુ ઘોડાપુર કુદરતી સૌંદર્યને મનભરીને માણતા પર્યટકો