તાપી: વ્યારાના એક ગામમાં પ્રેમીની માતા અને અન્ય ત્રણ શખ્સો દ્વારા પ્રેમિકાના વાળ કાપી નિર્વસ્ત્ર કરવા મામલે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ગુનામાં સામેલ બોરખડી ગામની મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તાપી જિલ્લા વિકાસ અધિકારીએ ગુનાની ગંભીર નોંધ લેતા આ પગલાં લીધા હતા.
Tapi: તાપીમાં યુવતીના વાળ કાપી નિર્વસ્ત્ર કરવા મામલે બોરખડી ગામના મહિલા સરપંચ સસ્પેન્ડ - tapi news
તાપી જિલ્લાના વ્યારાના એક ગામમાં પ્રેમીની માતા અને અન્ય ત્રણ શખ્સોએ પ્રેમિકાના વાળ કાપી નિર્વસ્ત્ર કરી તાલિબાની સજા આપી હતી. આ મામલે તંત્રએ ગુનાની ગંભીર નોંધ લઈને ગુનામાં સામેલ બોરખડી ગામની મહિલા સરપંચને સસ્પેન્ડ કર્યા છે.
Published : Dec 29, 2023, 6:02 PM IST
શું હતી સમગ્ર ઘટના:વ્યારાના એક ગામમાં રહેતી એક યુવતી વ્યારામાં તેનું ઘર છોડીને થોડા દિવસોથી તેના પ્રેમી સાથે રહેતી હતી. જે અંગે પ્રેમીના પરિવારજનોને વિરોધ હતો. તેમણે યુવકને માર મારી અન્ય ગાડીમાં મોકલી દઈ તેની પ્રેમિકા યુવતીને ઘરે મૂકી જવાના બહાને પરિવારના સભ્યો અવાવરૂ જગ્યા પર લઈ ગયા હતા. જ્યાં યુવતીના વાળ કાપીને કપડાં ફાડી નાખ્યા હતા અને માર મારી યુવતીને મૂકીને જતા રહ્યા હતા. યુવતી જીવ બચાવી નજીકના શેરડીના ખેતરમાં સંતાઈ ગઈ હતી. જે અંગેની ફરિયાદ યુવતી અને તેના પરિવારજનોએ વ્યારા પોલીસ મથકે દાખલ કરી હતી. જેને ધ્યાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલાના મુખ્ય આરોપી બોરખડી ગામના સરપંચ એવા પ્રેમીના માતા સહિત ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી.
આદિવાસી સંગઠનો દ્વારા કરાઈ હતી રજૂઆત:આ ઘટનાને લઈને આદિવાસી સંગઠનો દ્વારા જિલ્લાના કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આ ગુનાના આરોપીઓને કડક સજા થાય અને સરપંચ મહિલાનો હોદ્દો લઈ લેવામાં અને જિલ્લા પંચાયતના નિયમો અનુસાર પણ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. જેને લઈ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પગલાં લેતા સરપંચ મહિલાને તેમના પદ પરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા.