તાપી: વ્યારા ખાતે અઢી વર્ષ પહેલાં વોટરપાર્ક બનનાર હતો, જેને લઈ નગરજનોમાં આનંદની લાગણી ફેલાઇ હતી, પરંતુ હજી સુધી આ વોટરપાર્કના કોઈ ઠેકાણા નથી. અઢી વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં સંબંધિત એજેન્સી માત્ર તળાવ મધ્યે એક દિવાલ બનાવીને ગૂમ થઈ ગઈ છે, જેને લઈને નગરજનોમાં પાલિકાના સત્તાધીશો વિરુદ્ધ નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ આ તળાવની આસપાસ ફરવા આવતા કે મોર્નિંગ વોક માટે આવતા નગરજનો તળાવમા ગંદકી અને તેની દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.
હવામાં લટક્યું વ્યારા પાલિકા દ્વારા સોંપાયેલું વોટરપાર્કનું કામ, અઢી વર્ષે પણ વોટરપાર્કની કામગીરીના કોઈ ઠેકાણા નહીં - વ્યારા ન્યૂઝ
તાપી જિલ્લાના વ્યારામાં આજથી આશરે અઢી વર્ષ પહેલાં શ્રીરામ તળાવમાં આવેલા બે તળાવો પૈકી એક તળાવમાં કરોડો રૂપિયાના ખર્ચે વોટરપાર્ક બનાવવાનું આયોજન કરાયું હતું, પરંતુ જેતે એજેન્સી કામ અધૂરું મૂકી નાશી છૂટતા નગરજનોનું વોટરપાર્કનું સપનું રોળાઈ ગયું છે. જ્યારે પાલિકા સત્તાધીશોનું કહેવું છે કે, હવે નવેસરથી પ્રક્રિયા હાથ ધરાશે અને વહેલી તકે નગરજનોને વોટરપાર્કની સુવિધા મળશે.
Published : Dec 10, 2023, 8:09 AM IST
નગરજનો ત્રસ્ત: વ્યારા નગરના કેટલાંક લોકોનું કહેવું છે કે, નગરપાલિકાની પહેલી બોડીના સત્તાધીશોની અણઆવડતને કારણે આજે કરોડોનું કામ ટલ્લે ચઢ્યું છે, બીજી તરફ શ્રીરામ તળાવ ખાતે આવતા સહેલાણીઓ તળાવની ગંદકી અને દુર્ગંધથી પરેશાન થઈ રહ્યાં છે. જ્યારે કેટલાંક લોકો તો પહેલાની માફક અહીં આવવાનું પણ ટાળી રહ્યા છે. જ્યારે આ મામલે વ્યારા પાલિકાની નવી બોડીના સત્તાધીશોનું કહેવું છે કે, ટૂંક સમયમાં આ અંગેની કામગીરી શરૂ થશે અને નગરજનોને વોટરપાર્કની સુવિધા વહેલી તકે મળશે.
પાલિકાનું આશ્વાસન: વ્યારા નગર પાલિકાના બાંધકામ સમિતિના અધ્યક્ષ મૃણાલ જોશીએ જણાવ્યું હતું કે, બે-ત્રણ વર્ષ અગાઉ વોટર પાર્કનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારે કોઈ કારણોસર કોન્ટ્રાક્ટરો એ ટેન્ડર નહીં ભર્યા હોય અને જેણે ટેન્ડર ભર્યા તેમણે કામ પુરું નહીં કર્યું હોય તેના કારણે કામ અટકી ગયું હોવાનું રટણ કરી રહ્યાં છે. હવે ફરીથી બધી પ્રક્રિયા હાથ ધરી નવા ટેન્ડરો બહાર પાડવામાં આવશે. તળાવના ખરાબ પાણીની અંદર દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને જરૂર પડી તો તે પાણીને દૂર કરવામાં આવશે તેવું પણ બાંધકામ સમિતિના અધ્યક્ષ મૃણાલ જોશી જણાવી રહ્યાં છે.