ગુજરાત

gujarat

ETV Bharat / state

ડોલવણ તાલુકાના આ ગામડાઓમાં છેલ્લા દોઢ મહિનાથી આવે છે ભૂકંપના આંચકા - ડોલવણ તાલુકામાં ભૂકંપના આંચકા

તાપી: જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલા 16 જેટલા ગામડાઓમાં છેલ્લા દોઢ મહિનાથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. વારંવાર આવતા ભૂકંપના આંચકાને લઈને ગ્રામલોકો અજુગતું બનવાની આશંકા સાથે ડરના માહોલમાં જીવી રહ્યાં છે. રાત્રે ગ્રામલોકોનું ઊંઘવાનું પણ દુષ્કર બની ગયું છે. જેને લઇને સુરત ભૂસ્તર વિભાગે તાપી અને સુરત જિલ્લામાં જે ગામમાં ભૂકંપના આંચકા આવે છે તે તમામ ગામડાઓમાં તપાસ સાથે જાગૃતિના કાર્યક્રમોની શરૂઆત કરી છે.

ડોલવણ તાલુકામાં આવે છે ભૂકંપના આંચકા

By

Published : Oct 31, 2019, 3:11 PM IST

તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં છેલ્લા દોઢ મહિનાથી અજીબોગરીબ ઘટના બની રહી છે. રોજ એક પછી એક ઉપરાછાપરી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. રાત્રીના સમયે માવઠા રૂપે વરસાદ આવે છે અને તે જ સમયે ભૂકંપના આંચકાઓ પણ આવી રહ્યા છે. ભૂકંપના આંચકાને કારણે 16 ગામના લોકોમાં ભયનો માહોલ ઘર કરી ગયો છે.

ડોલવણ તાલુકામાં આવે છે ભૂકંપના આંચકા

એક તરફ આ ગામોમાં આવતા ભૂકંપના આંચકાને લઈને પ્રજાજનોમાં એક ભયનો માહોલ છે. ત્યારે સુરત અને તાપી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેકટર કચેરી અને મામલતદાર કચેરીના સંયુકત ઉપક્રમે અસરગ્રસ્ત ગામો એવા પાઠકવાડી, ઉમરવાવદુર, વરજાખણ, ગારપાણી, પદમડુંગરી, કાકડવા, પાટી, ડોલવણ, તકીઆંબા, કણધા, કરંજખેણ, પીઠદરા, બેસનીયા અને અંધારવાડીદુર માટે ત્રણ ક્લસ્ટર બનાવવામાં આવ્યાં છે. જે મુજબ પ્રથમ ક્લસ્ટર-ઉમરવાવદુર, બીજુ ક્લસ્ટર-કાકડવા, અને ત્રીજુ ક્લસ્ટર-કરંજખેડમાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના જિલ્લા પ્રોજેકટ અધિકારી અને મામલતદાર દ્વારા ગ્રામજનોને ભૂકંપ સામે સાવચેતી રાખવા અને કેવા પ્રકારના પગલાં લઈ શકાય તે અંગે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું છે. ઉપરાંત અસરગ્રસ્ત ગામોમાં પોલીસ પેટ્રોલીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

જિલ્લાના ડોલવણ તાલુકામાં વારંવાર ભૂકંપના આંચકા આવતા લોકો રાત્રીના સમયે શાંતિથી ઊંઘી પણ શકતા નથી. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ભૂકંપ સંશોધન વિભાગ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી ભૂકંપ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક, અને ટેકનીકલ મદદનીશ અધિકારીઓ પણ ડોલવણ તાલુકા ખાતે જનજાગૃતિ કાર્યકમમાં હાજર રહ્યા હતા.

ભૂકંપના આંચકા આવવા પર ઉંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે, ઉમરવાવદુર પંચાયત ખાતે સિસ્મોગ્રાફ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે. જેથી અહીંથી ડેટા મેળવી તેનો અભ્યાસ કરીને ચોક્કસ માહિતી મેળવવામાં આવશે. આ વિસ્તારમાં ભૂકંપના આંચકા વારંવાર કેમ આવી રહ્યા છે? આ વિસ્તારના પેટાળમાં કોઈ મોટી ઉથલ પાથલ થઇ રહી છે કે નહિ? આવા અનેક સવાલો વહીવટીતંત્ર સામે ઉભા છે અને ગ્રામલોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details