- આદિવાસી બેરોજગાર યુવક-યુવતીઓને તાલીમ આપવાની યોજનામાં ગેરરીતિ થઈ હોવાની વિગતો આવી સામે
- આદિવાસીઓની પરંપરાગત વારલી પેઇન્ટિંગ, સીવણ કલાસ તેમજ કડીયાકામના તાલીમ વર્ગોમાં તાલીમ અપાઈ
- તાલીમની ગુણવત્તા પણ બરાબર ન હોવાનું તાલીમાર્થીઓએ જણાવ્યું
તાપીઃ સરકાર દ્વારા રાજ્ય વિસ્તારોમાં વસવાટ કરતા, છેવાડાના આદિવાસી વિસ્તારોમાં વસવાટ કરતા ગરીબ આદિવાસી પરિવારોને પગભર કરવા હેતુ તેમજ સમાજના અન્ય વર્ગો સાથે ખભેખભા મિલાવી સ્વમાનભેર આર્થિક રીતે સક્ષમ થઈને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી જીવી શકે એ માટે દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે. ત્યારે તાપી જિલ્લામાં આવી જ એક આદિવાસી બેરોજગાર યુવક યુવતીઓને તાલીમ આપવાની યોજનામાં ગેરરીતિ થઈ હોવાની વિગતો સામે આવી છે.
આ પણ વાંચોઃ ડાંગનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા બાગાયત, કૃષિ અને પશુપાલનની તાલીમ યોજાઈ
બેરોજગાર આદિવાસી યુવક-યુવતીઓને રોજગાર મળે એ હેતુથી અપાઇ તાલીમ
તાપી જિલ્લામાં ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન ચૌધરી(Bipin Chaudhri)એ સાંસદ પ્રભુ વસાવા(Prabhu Vasava) અને મંત્રી ગણપત વસાવા(Ganpat Vasava)ના મોટિવેશનથી તાપી(Tapi) જિલ્લાની ટ્રાઇબલ સબ પ્લાન કચેરીમાં મસમોટો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે રાજીનામુ ધરી દેતા જિલ્લા ભાજપમાં કમઠાણ સર્જાયું છે, ત્યારે સોનગઢના ચાંપાવાડી ગામે બેરોજગાર આદિવાસી યુવક-યુવતીઓને રોજગાર મળે એ હેતુથી આદિવાસીઓની પરંપરાગત વારલી પેઇન્ટિંગ, સીવણ કલાસ તેમજ કડીયાકામના તાલીમ વર્ગોમાં તાલીમ અપાઈ હતી.
તાલીમાર્થીઓ દ્વારા પૂરતી તાલીમ ના આપી હોવાની ફરિયાદ કરાઇ
તાલીમાર્થીઓને તાલીમ પુરી થયા બાદ જે ફેકલ્ટીની તાલીમ લીધી હોય, તેવા રોજગારીના સાધનોની કીટ આપવાની હોય છે. પરંતુ તાલીમ પુરી થયાના મહિનાઓ થઇ ગયા છતાં હજુ સુધી રોજગાર માટેના સાધનો તાલીમ આપનાર સંસ્થા દ્વારા ન આપવામાં આવતા તાલીમાર્થીઓ દ્વારા પૂરતી તાલીમ ના આપી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે વારલી પેંઇન્ટિંગના તાલીમાર્થીઓને એક રબર, એક પેન્સિલ, એક બ્રશ, થોડા ડ્રોઈંગ પેપર, બોર્ડ અને નાના બાળકો માટેના ફક્ત 30 રૂપિયાના વોટર કલર પકડાવી દઈ જાણે ગરીબ અને બેરોજગાર આદિવાસી તાલીમાર્થીઓ સાથે મજાક કર્યું હોય તેવું લાગી રહ્યું છે.
સિલાઈ મશીનનું ભાડું સંસ્થાએ ન ચૂકવતા સિલાઈ મશીનના માલિકો તાલીમાર્થીઓ પાસે માગે છે ભાડુ
વધુમાં તાલીમાર્થીઓએ ETV Bharatની ટીમને જણાવ્યું હતું કે, તાલીમની ગુણવત્તા પણ બરાબર ન હોવાનું અને તાલીમ દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવતા ચા-નાસ્તા પણ ન આપ્યા હોવાનું જણાવ્યું હતું અને સિવણની તાલીમ આપવા માટે ભાડે લેવાયેલા સિલાઈ મશીનનું ભાડું પણ સંસ્થાએ ન ચૂકવતા સિલાઈ મશીનના માલિકો તાલીમાર્થીઓ પાસેથી ભાડું માગી રહ્યા છે.
તાલીમના નામે માત્ર ભૂતિયા વર્ગો ચલાવાય છે
તાપી જિલ્લામાં પ્રાયોજના વહીવટદાર કચેરી દ્વારા કરાયેલા આયોજનમાં તાલીમ વર્ગો ખૂબ જ વિવાદાસ્પદ બન્યા છે. કહેવાય છે કે, તાલીમના નામે માત્ર ભૂતિયા વર્ગો ચલાવાય છે. ત્યારે આ યોજનાના સોનગઢ તાલુકાના અમલીકરણ અધિકારી તરીકે ઉકાઈ આઈટીઆઈના પ્રિન્સિપાલ નીતાબેન ગામીત(Nita Gamit)ને પૂછ્યું હતું કે, આ બધી તાલીમ કેવી રીતે આપવામાં આવે છે અને તાલીમ બાદ તાલીમાર્થીઓને શુ આપવામાં આવે છે. તેઓ પાસે હાલ પૂરતી માહિતી ન હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે.
તાલીમ આપતી એનજીઓ ગુરુકૃપા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના સંચાલક કોણ છે તેમ પૂછવામાં આવતા પ્રિન્સીપાલ અચકાયા
તાપી(Tapi) જિલ્લામાં આદિજાતિ વિકાસના નામે જે ગરીબ અને આદિવાસી બેરોજગારોને તાલીમ આપવામાં આવે છે, જેમાં તાલીમ આપનારી એનજીઓ(NGO) વ્યારાની ગુરુકૃપા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના સંચાલક કોણ છે એવું પૂછવામાં આવતા ઘડીક વાર પ્રિન્સિપાલ અચકાયા હતા. કારણ કે, આ એનજીઓ ગુરુકૃપા એજ્યુકેશન અને વેલ્ફેર ટ્રસ્ટ જિલ્લા ભાજપના મહામંત્રી અને કદાવર નેતા વિક્રમ તરસાડીયાની જ છે.
આ પણ વાંચોઃ ડાંગના વઘઇ તાલુકામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવને યોજાયું વ્યાપક જનજાગૃતિ અભિયાન
સરકાર દ્વારા આ અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી છે
પ્રાયોજના અધિકારી દ્વારા આયોજનમાં લેવામાં આવેલા મલાઈદાર તાલીમના કામો હોય છે. જેમાં ઘણી બધી જગ્યાએ તાલીમ આપ્યા વિના પણ કાગળ પર લાભાર્થીઓ બતાવાય છે અને બિલો મૂકી રોકડા ઘર ભેગા કરાય છે. આ તાલીમોમાં કઈ રીતે ભૂતિયા નામો અને તેઓના પુરાવા મેળવાય છે? આ સપ્લાયના કારોબારમાં કઈ રીતે ખેલ થાય છે? આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે જિલ્લા ભાજપના મહામંત્રી વિક્રમ તરસાડીયાની એનજીઓ ગુરુકૃપા એજ્યુકેશન અને વેલ્ફેર ટ્રસ્ટના દ્વારા કરેલા તાલીમ વર્ગોમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો સામે આવતા સરકાર દ્વારા આ અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.