તાપી: છેલ્લા થોડા મહિનાઓથી મણિપુર રાજ્યમાં તંગદિલી ફેલાય છે. આ હિંસામાં ઘણા નિર્દોષોના જીવ ગયા છે અને સેંકડો લોકોએ પોતાનું ઘર, જમીન અને સંપત્તિ છોડી જંગલો તરફ ભાગવા મજબુર બન્યા છે. આ હિંસામાં 200 થી વધુ ચર્ચોને સળગાવી દેવામાં આવ્યા છે તથા 100 થી વધુ લોકોના જીવ ગયા છે. હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે જે અંગે ન્યાયિક અને ઝડપી તપાસ થાય તે અંગેનું રાષ્ટ્રપતિને સંબોધીને તાપી જિલ્લા કલેકટરને ખ્રિસ્તી સમાજે આવેદન આપ્યું હતું.
Tapi News: મણિપુરમાં બનેલી હિંસક ઘટના અંગે તાપી જિલ્લા કલકટરને આવેદન આપવામાં આવ્યું
તાપી જિલ્લામાં સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં મણિપુરમાં થઈ રહેલ હિંસામાં આદિવાસી લોકોને ભારે જાન માલની નુકશાની થઈ છે જેમની સલામતી જળવાઈ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી કાબુમાં આવે તેવી અપીલ કરાઈ હતી.
શાંતિ પુનઃસ્થાપિત કરવાની માંગ:આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર મણિપુરમાં વસનાર ખ્રિસ્તી ધર્મ પાળનાર આદિવાસી લઘુમતી સમુદાયને બદનામ કરવામાં આવે છે તે બંધ થવું જોઈએ. આ ઉપરાંત મણિપુરમાં તાત્કાલિક શાંતિ પુનઃસ્થાપિત કરવામાં આવે અને તેમની જમીન અને ઘરમાંથી હાંકી કાઢવામાં આવેલ તમામ આદિવાસીઓ અને ખ્રિસ્તીઓને સલામત રીતે ઘર વાપસી કરાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. હિંસામાં નાશ પામેલ ઘરો, ચર્ચો, સંસ્થાઓના પુનઃ નિર્માણ માટે પર્યાપ્ત નાણાકીય વળતરની જોગવાઈ કરવામાં આવે અને હિંસા માટે જવાબદાર તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે.
શું છે માંગ?: તાપી જિલ્લા ખ્રિસ્તી સમાજના આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મણિપુર રાજ્યમાં પાછલા દિવસો જે હિંસક ઘટના બની છે તેમાં આદિવાસી સમુદાયના ખ્રિસ્તી સમુદાયને માનતા લોકોને પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો છે. હાલ તેઓ શેલ્ટર હોમમાં રહેવા મજબુર થયા છે. તેમને જણાવ્યું હતું કે તેઓની માંગ છે કે સરકાર આ મામલે તુરંત જ કાર્યવાહી કરે. જે લોકો જંગલમાં ભાગી ગયા છે તેમને પરત લાવીને તેમના ઘરોમાં પુનઃ વસવાટ કરાવવામાં આવે.