વાપી:રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ ભારત માલા પરિયોજના હેઠળ રાજધાની દિલ્હીથી 5 રાજ્ય અને 1 યુનિયન ટેરિટરીમાંથી પસાર થતા 1386 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેની કામગીરી હાથ ધરી છે. અંદાજિત 1 લાખ કરોડના આ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેકટ હેઠળ વલસાડ જિલ્લાના કરવડથી મહારાષ્ટ્રના તલાસરી સુધીના પેકેજ 10 પર પુરજોશમાં કામગીરી હાથ ધરાઈ છે.
1386 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે:National Highways Authority of India (NHAI) દ્વારા ભારત માલા પરિયોજના હેઠળ 1386 કિલોમીટર લાંબા અને 1 લાખ કરોડના ખર્ચે દિલ્હી થી મુંબઈ વચ્ચે ઝડપી વાહનવ્યવહાર માટે 8 લેનના એક્સપ્રેસ વે બનાવવાની કામગીરી હાથ ધરી છે. આ હાઇ-વે દિલ્હીથી શરૂ થયા બાદ હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના મુંબઈ જવાહરલાલ નહેરુ પોર્ટ વચ્ચે 24 કલાકના સમયને ઘટાડી 12 કલાકમાં પહોંચાડશે. આ પ્રોજેકટ હેઠળ હાલ આખા રૂટ પર વિવિધ એજન્સીઓ દ્વારા કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વલસાડ જિલ્લામાં પેકેજ 8,9 અને 10 હેઠળ પ્રથમ તબક્કાની કામગીરી ચાલી રહી છે.
ખેડૂતોને વળતર ચુકવાયું:આ અંગે એક્સપ્રેસ વેના પ્રોજેકટ ડાયરેકટર, પ્રોજેક્ટ મેનેજર, એન્જીનિયર સહિતના અધિકારીઓએ વિગતો આપી છે કે, વલસાડ જિલ્લાના કરવડથી મહારાષ્ટ્રના તલાસરી વચ્ચેના પેકેજ 10 માં કોન્ટ્રાકટર દ્વારા જમીનનું લેવલિંગ, નદી નાળા પરના પુલ, બ્રિજ, ઝાડી કટિંગ, માટી પુરાણ સહિતની પ્રથમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. 100થી 120 મીટર પહોળાઈના 8 લેનના અને જરૂર પડ્યે 12 લેન સુધી કરી શકાય તેવા અયોજન સાથેના આ મહત્વના પ્રોજેકટ હેઠળ સરકાર દ્વારા ખેડૂતોની અને અન્ય પ્રાઇવેટ પ્લોટ માલિકોની જમીન સંપાદન કરવામાં આવી છે. જેનું સારું એવું વળતર પણ ચુકવવામાં આવ્યું છે.
એક્સપ્રેસ વેની ખાસિયત:એક્સપ્રેસ વે વલસાડ જિલ્લામાંથી પસાર થઈ મુંબઈ સુધી જવાનો છે. જેમાં પેકેજ 10 હેઠળ આવતા રૂટ પર 33 નદી નાળા પર નાના પુલ બનાવવામાં આવશે. આસપાસના વિસ્તારના લોકોના આવાગમન માટે 25 અન્ડરપાસ બનાવશે. વાપી-સેલવાસમાંથી પસાર થતી દમણગંગા નદી અને મહારાષ્ટ્રના તલાસરીમાં આવેલ કોચાઈ નદી પર બ્રિજ બનાવવામાં આવશે. 8 લેનના આ એક્સપ્રેસ વેની ખાસિયત એ હશે કે આ માર્ગ પર ખાસ ઇન્ટરચેન્જ હશે અને તે સિવાયના રૂટને ફેંસિંગ કે દીવાલ બનાવી કવર કરવામાં આવશે. જેથી કોઈ પશુ કે અન્ય વાહનચાલક વચ્ચેથી પસાર થઈ શકે નહીં. જ્યાંથી ઇન અને એક્ઝિટની એન્ટ્રી હશે ત્યાં એક એક ટોલ પ્લાઝા હશે. જેથી વચ્ચે ક્યાંય વાહન ચાલકનો સમય વેડફાશે નહીં. એન્ટ્રીથી એક્ઝિટ સુધીના ટોલ બુથ પર જ દરેક વાહન ચાલકે નિયત ટોલ ટેક્સ ચૂકવવો પડશે.
કામગીરી પુરજોશમાં:આ એક્સપ્રેસ વે અંતર્ગત વલસાડના વાપી નજીકના અને દાદરા નગર હવેલીમાં આવતા નરોલી ખાતે ટોલ પ્લાઝા ઉભા કરવામાં આવશે. અહીં હાલ રોડ નિર્માણ માટે જરૂરી એવી કોન્ક્રીટ માટેનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તલાસરી, કરવડ, પરિયા જેવા સ્થળે ક્રશર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. અદ્યતન મશીનરી, સ્કીલ્ડ સ્ટાફ, હાઈવા, રોલર, ડમ્પર સહિતના વાહનો દ્વારા હાલ માટી મંગાવી અંદાજિત 6 મીટરનું લેવલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેના પર તબક્કાવાર કોન્ક્રીટ સહિતની કામગીરી કરી એક્સપ્રેસવે તૈયાર કરવામાં આવશે.