- સોનગઢ તાલુકોએ તાપી જિલ્લાનો સૌથી મોટો તાલુકો
- તમામ પ્રકારની સુવિધા પ્રદાન કરતી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવાની માંગ
- કોરોના મહામારીમાં કોઈ હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ નહિ
તાપી :જિલ્લાના સૌથી મોટા તાલુકા સોનગઢ ખાતે તમામ પ્રકારની સુવિધા પ્રદાન કરતી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવાની માંગ કરતુ એક આવેદન સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા તાપી કલેક્ટરને પાઠવાયું હતું. જેમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે, સોનગઢ તાલુકોએ તાપી જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે. સોનગઢ તાલુકામાં 179 ગામો અને 1 નગરપાલિકા, જે. કે. પેપર લિ., થર્મલ પાવર સ્ટેશન, ઉકાઈ ડેમ આવેલા છે.
105 કિ.મિ લંબાઈમાં વસેલા સોનગઢમાં ફક્ત નાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર
મોટો તાલુકો અને વધારે વસ્તી હોવા છતાં અન્યાય કેમ ? આદિવાસીઓની સેવા કરવાના બણગાં ફૂંકતી રાજ્ય સરકાર સોનગઢ તાલુકામાં આરોગ્ય સેવા આપવામાં ઉણી ઉતરી રહી છે. 105 કિ.મિ લંબાઈમાં વસેલા સોનગઢમાં ફક્ત તાલુકા-શહેર સોનગઢમાં જ નાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોવાથી આદિવાસી પ્રજાને આરોગ્યની સેવા કેવી મળતી હશે તેનો વિચાર પણ કંપાવી દે તેવો છે.
આ પણ વાંચો : તાપી:જિલ્લાની હોસ્પિટલોમાં ફરજ બજાવતા નર્સો અને નર્સિંગ સ્ટુડન્ટોની હડતાળ
વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ સોનગઢનું આરોગ્ય કેન્દ્ર નાનું પડે
સોનગઢ તાલુકો આદિવાસી તાલુકો છે, પરંતુ અંતરિયાળ ગામો તાલુકા મથકથી દૂર આવેલા છે. એ સંજોગોમાં દૂર-દૂર વસતા આદિવાસીઓને સારવાર માટે સોનગઢ આવવું પડે છે. તાલુકામાં 179 ગામો આવેલા છે. આ તમામ ગામોમાં 90 % વસ્તી આદિવાસીઓની છે, આ આદિવાસીઓએ આરોગ્ય સારવાર માટે તાલુકા મથકના સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર જ આધાર રાખવો પડે છે. વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ સોનગઢનું આરોગ્ય કેન્દ્ર નાનું પડે છે.