કોઈ પણ નવો રેકોર્ડ બનાવો એટલે તેની નોંધ વર્લ્ડ રેકોર્ડ બુક, લિમ્કા બુક, ગિનિસ બુક કે પછી એશિયા બુકમાં કરવામાં આવે છે. બારડોલીના સાહસિક યુવાન સાગર ઠાકરનું નામ આ દરેક રેકોર્ડ બુકમાં જોવા મળશે. અનેક રેકોર્ડ સર્જ્યા બાદ સાગર ઠાકરે 73માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પણ અનોખી રીતે કરતા એક નવો રેકોર્ડ નોંધાયો હતો. સાગરે પોતાના બંને પુત્ર રિધાન અને રુદ્રાક્ષ સાથે મળીને 24 કલાકમાં 73 કી.મીનું અંતર સ્કેટિંગ કરીને કાપ્યું હતું અને આ પિતા પુત્રની ત્રિપુટીએ આ નવા રેકોર્ડનું સર્જન કરી લિમ્કા બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.
બારડોલીમાં 73 કિ.મી કાપી સ્વાતંત્ર દિવસની કરાઇ અનોખી ઉજવણી, જુઓ કઇ રીતે - લિમ્કા બુક
તાપી: બારડોલીના સાહસિક યુવાન સાગર ઠાકર દ્વારા 73માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. સાગર ઠાકર અને તેના બે પુત્રોએ 24 કલાકમાં 73 કી.મી સ્કેટિંગ કરી નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

આજના યુગમાં બાળકોમાં મોબાઈલ અને ટેબલેટનો ઉપયોગ ઘણો વધી ગયો છે. જેના કારણે બાળકો બાહ્ય દુનિયાને ભૂલી રહ્યા છે અને બાળકોમાં સાહસનું પ્રમાણ ઘટી રહ્યું છે. તો પોતાના બાળકોમાં સાહસનું પ્રમાણ વધે અને બાહ્ય દુનિયાનો આનંદ મેળવી શકે તેવા હેતુથી સાગર ઠાકર પોતાના 9 અને 6 વર્ષીય બાળકોને સ્કેટિંગ રેકોર્ડ બનાવવાં નીકળ્યા હતા અને બંને બાળકોએ પણ આ સાહસ કરતા કરતા ખૂબ આનંદ માણ્યો હતો.
પિતા પુત્રની આ ત્રિપુટીએ રેકોર્ડની શરૂઆત 15મી ઓગષ્ટના રોજ તાપી જિલ્લાના વ્યારાથી કરી હતી અને વ્યારાથી સોનગઢ થઈ ભારતના આઝાદીના 73 વર્ષ જેટલા 73 કિલોમીટરનું અંતર સ્કેટિંગ પર કાપી બારડોલી પહોંચી રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. આ રેકોર્ડ નોંધાવ્યા બાદ પોતાના વતન પરત ફરેલા પિતા પુત્રની આ સાહસિક કામગીરીને ગ્રામજનો દ્વારા બિરદાવી હતી અને ઉત્સાહ પૂર્વક તેઓનું સ્વાગત કર્યું હતું.