સોનગઢમાં દેશી હથિયારો સાથે એક શખ્સ ઝડપાયો તાપી :રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ બનાવટના દેશી હથિયારોનો વેપલો વધી રહ્યો છે. ત્યારે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સોનગઢ પોલીસે 3 હાથ બનાવટની દેશી બંદૂક અને 3 ધનુષ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. મૂળ સાગબારા તાલુકાનો વતની અને હાલ વ્યારાના સરૈયા ગામે રહેતા રાકેશ વસાવા નામના ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
દેશી હથિયારોનો વેપલો : આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં વાઈબ્રન્ટ સમિટ યોજાનાર છે, જેના અનુસંધાને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે સંદર્ભે તાપી પોલીસ ગેરકાયદેસર શસ્ત્રોનો ઉપયોગ, સંગ્રહ, ઉત્પાદન અને હેરાફેરી કરતા ઈસમો પર વોચ રાખવા માટે ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન સોનગઢ વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારનો જથ્થો ઝડપાયો છે.
વાહન ચેકિંગ દરમિયાન રાકેશ રામુભાઈ વસાવાની ક્રેટા ગાડી શંકાને આધારે ચેક કરતા તેની અંદરથી દેશી બનાવટની બંદૂક તેમજ લોખંડના ચીમટા સહિત ધનુષ-બાણ પકડાયા છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. -- સી.એમ. જાડેજા (DySP, તાપી)
બંદૂક અને ધનુષ-બાણ જપ્ત : સોનગઢ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ક્રેટા કારમાંથી રાકેશ વસાવા ઝડપાયો હતો. પોલીસ તપાસ દરમિયાન રાકેશની કારમાંથી હથિયાર સહિત જાનવરો પકડવાના 3 નંગ ચીમટા પણ મળી આવ્યા હતા. પોલીસે કાર અને હથિયારો મળી કુલ 7 લાખ 48 હજારથી વધુના મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે રાકેશને હથિયાર આપનાર સાગબારાના બુધિયો ઉર્ફે સુરપસિંગ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે.
શિકાર કરવાનો સામાન મળ્યો : આ મામલે તાપી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક સી.એમ. જાડેજાએ જણાવ્યું હતું કે, વાહન ચેકિંગ દરમિયાન ઉકાઇ પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાયેલા રાકેશ રામુભાઈ વસાવાની ક્રેટા ગાડી શંકાને આધારે ચેક કરતા તેની અંદરથી દેશી બનાવટની બંદૂક 3 નંગ તેમજ લોખંડના ચીમટા કે જે જંગલ વિસ્તારમાં પશુઓના પગમાં ભરાઈ જાય અને એનો શિકાર અથવા એને પકડી શકે એમાં ઉપયોગ થતો હોય. તેમજ 3 ધનુષ-બાણ પકડાયા છે. આ હથિયાર ભૂંડ મારવા માટે કોઈને વેચવા માટે લાવેલા હોય એવું પ્રાથમિક તપાસમાં જણાય છે, હાલ તપાસ ચાલુ છે.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ :ઉલ્લેખનિય છે કે, આરોપી રાકેશે અગાઉ ઉકાઈ ખાતે કહેવાતી પ્રેમિકાના સાસુ પર ફાયરિંગ કર્યું હતું. અગાઉ 307 જેવા ગંભીર ગુનામાં પકડાયેલા હતા. આમ અગાઉના ગુના અને હાલ હથિયારોની હેરાફેરી જેવા ગુનાને ધ્યાનમાં લઈ મામલાની ગંભીરતાને સમજીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. હથિયાર સહિત મોબાઈલ તેમજ ક્રેટા ગાડી હાલ કબજે લેવામાં આવી છે.
- તાપીના તાડકૂવા ગામમાં હિટ એન્ડ રનની ઘટના બની, કારની અડફેટે ચડેલાં આધેડનું મોત
- તાપીમાં કિશોરે લગ્નની લાલચ આપી 15 વર્ષની કિશોરીને ગર્ભવતી બનાવી