સુરેન્દ્રનગરઃ રાજ્યભરમાં શિક્ષીત બેરોજગાર યુવાનો રોજગાર મળવાની આશાએ બેઠો છે. સમગ્ર રાજ્યમાં લાંબા સમયથી શિક્ષણ વિભાગમાં ભરતીની પ્રક્રિયા ખોરંભે પડી છે. ત્યારે જિલ્લાના ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી ભરતી પ્રક્રિયા હાથ ધરવા માંગ કરી હતી. આ લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ 18-1-18 ના રોજ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત કરી હતી. પરંતુ આ જાહેરાતનો કોઇ અમલ હજુ સુધી થયો નથી અને ભરતી પ્રક્રિયા થઇ નથી.
જિલ્લાના ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત - ભરતી પ્રક્રિયા
શિક્ષિત બેરોજગાર એવા હજારો ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરનાર યુવાનો નોકરીની રાહ જોઇને બેઠાં છે. શિક્ષણવિભાગની ભરતીની પ્રક્રિયા ધમધમતી થાય તેવી માગણી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી. કોરોના મહામારીના પગલે પડેલાં લૉકડાઉને આ ઉમેદવારોની સ્થિતિ વધુ કફોડી બનાવી છે. ત્યારે સત્વરે ભરતી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
જિલ્લાના ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત
આથી બેરોજગાર શિક્ષિત યુવાનોની વ્યથાને ધ્યાને લઇ તાકીદે શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવા માગ કરાઈ છે. જો આ અંગે તાકીદે નિર્ણય નહીં લેવાય તો ગાંધીનગર ખાતે ટેટ અને ટાટ પાસ ઉમેદવાર ધરણા કરનાર હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.