- સુરેન્દ્રનગરમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી
- જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ મુદ્દે રજૂઆતો કરાઈ
- ખેડૂતોની સહાય માટે ઉગ્ર રજૂઆતો
સુરેન્દ્રનગર: જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો છે અને ખેડૂતો બારે માસ સીઝન મુજબ પાકોનું વાવેતર કરે છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરેલા પાકોને મોટા પાયે નુકશાન પહોચ્યું છે અને હાલત કફોડી બની છે. વિવિધ માંગો સાથે ગુજરાત ખેડૂત એકતા મંચના નેજા હેઠળ જિલ્લાભરના ખેડૂતો જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થયા હતા અને જિલ્લા ખેતીવાડી વિભાગ અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ મુદ્દે રજૂઆતો કરી હતી.
સુરેન્દ્રનગરમાં ખેડૂતોની સહાય માટે ઉગ્ર રજૂઆતો આ પણ વાંચો:બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક નિષ્ફળ
સુરેન્દ્રનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માગ
આ રજૂઆતોમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત ખેડૂતોને નુકશાન સામે હેક્ટરે 20,000/- અને 25,000/- રૂપિયા સહાય ચુકવવું, જિલ્લાના મોટાભાગના તાલુકામાં એક વરસાદ થયા પછી બીજો વરસાદ થયો જ નથી, તંત્ર દ્વારા વરસાદના ખોટા આંકડાઓ નોંધવામાં આવ્યા છે તેની તપાસ કરી સાચા આંકડાઓ દર્શાવવામાં આવે, એસ.ડી.આર.એફ. ના ધારાધોરણ મુજબ ખેતરમાં નુકશાની અંગે સર્વે કરી જો ૩૩ ટકાથી વધારે નુકસાન હોય તો ખેડૂતોને તાત્કાલિક સહાય ચુકવવામાં આવે અને દુષ્કાળ મેન્યુઅલ અંતર્ગતના માપદંડ મુજબ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેમજ દરેક ગામ માટે પીવાના પાણીની, પશુઓ માટે ઘાસચારાની, ખેત મજૂરો માટે કામની અને ગામના દરેક પરિવારની અન્ન સલામતી સુનિશ્ચિત કરવા સહિતની માંગો અંગે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. જે અંગે તંત્ર દ્વારા સરકાર સાથે વધુ એક બેઠક યોજી સર્વે હાથ ધર્યા બાદ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખાતરી આપી હતી. આ તકે ખેડૂત એકતા મંચના રાજુભાઈ કરપડા, રામકુભાઈ કરપડા સહિત ખેડૂત આગેવાનો રતનસિંહ ડોડીયા, ભરતસિંહ ઝાલા, સાગરભાઈ રબારી, ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિત જિલ્લાભરમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. ખેડૂતોની આ રજૂઆતને જિલ્લા કોંગ્રેસ સમિતિ સહિત આમ આદમી પાર્ટી અને વિવિધ એસોસિએશને પણ સમર્થન આપ્યું હતું.
સુરેન્દ્રનગરમાં ખેડૂતોની સહાય માટે ઉગ્ર રજૂઆતો